
જામખંભાળિયામાં મૂશળાધાર વરસાદઃ બે કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો
- અનેક નદીઓ થઈ ગાંડીતૂર
- વહીવટી તંત્ર થયું એલર્ટ
- NDRFની ટીમ દ્વારકા મોકલાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું હોત તેમ માત્ર બે કલાકમાં જ 12 ઈંચ વરસાદ વરસ્તા જળબંબોળ જેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમજ નદીઓ ગાંડીતૂર બની છે. ખંભાળિયામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. બીજી તરફ વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. તેમજ એનડીઆરએફની ટીમ દ્વારકા મોકલવામાં આવી છે.
દ્વારકામાં દિવસ દરમિયાન છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દરમિયાન બે કલાકમાં જ 12 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ જળશયમાં નવા પાણીની આવક થતા ડેમની સપાટીમાં બે ફૂટનો વધારો થયો હતો. હાલ ડેમની સપાટી 11 ફૂટ પહોંચી ગઈ હતી. અનેક ચેકડેમો, નદીઓમાં નવા પાણીની આવક થઈ હતી. જ્યારે રસ્તાઓ પર ગોઠણ સમા પાણી વહી રહ્યાં છે. લોકોને ચાલવા તથા વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દરમિયાન આજે સવારથી જ દ્વારકા જિલ્લાના બધા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જામકલ્યાણપુર તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં પણ ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. અત્યારે દ્વારકા જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ મોકલી આપવામાં આવી છે