તિરુવનંતપુરમ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળ મુલાકાતના બીજા દિવસે શનિવારે પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં રોડ શૉ કર્યો છે. તેઓ મતદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે ત્રણ દિવસની મુલાકાતે છે. રોડ શૉ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે મોદી ઝેરનો ઉપયોગ કરે છે અને અમે રાષ્ટ્રીય સ્તરે તેમના વિરુદ્ધ લડી રહ્યા છીએ. તેઓ નફરત, ગુસ્સો અને લોકોને વિભાજીત કરવાની રાજનીતિ કરે છે. ચૂંટણી જીતવા માટે ખોટું બોલે છે.
રાહુલ ગાંધીના રોડ શોમાં ચૂંટણી બાદ પહેલીવાર ચોકીદાર ચોર હૈ – સૂત્રોચ્ચાર પણ સાંભળવા મળ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે હું કોંગ્રેસમાં છું અને જાતિ-ધર્મ તથા વિચારધારાથી ઈતર વાયનાડના દરેક વ્યક્તિ માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે. આ વાતથી ફરક પડતો નથી કે તમે કઈ પાર્ટીમાંથી છો. તમે મને ટેકો આપ્યો, તે અદ્વિતિય છે. હાલ કેન્દ્ર સરકાર અને મોદી દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. કોંગ્રેસ જાણે છે કે તેનો સામનો કરવાનો એકમાત્ર માર્ગ પ્રેમ છે. અમે દેશમાં નબળા વર્ગોને મોદીની નીતિઓથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. હું તમારું પ્રતિનિધિત્વ કરવા અને સારું વાયનાડ બનાવવા માટે તૈયાર છું.
કોંગ્રેસ અધ્યક્ષે શુક્રવારે મલ્લાપુરમમાં રોડ શૉ બાદ જાહેરસભાને સંબોદિત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે હું કેરળનો સાંસદ છું. આ મોરી જવાબદારી છે કે માત્ર વાયનાડ નહીં, પરંતુ આખા કેરળના નાગરીકો સાથે જોડાયેલા મુદ્દાને અવાજ આપું. વાયનાડના લોકોનો અવાજ સાંભળવા અને તેમનો અવાજ બનવો મારું કર્તવ્ય છે. તમને તમામને પ્રેમ અને સ્નેહ બદલ ધન્યવાદ આપું છું, જે તમે મારા માટે દર્શાવ્યો છે.
રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને યુપીની પરંપરાગત અમેઠી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડયા હતા. અમેઠીમાં તેમને સ્મૃતિ ઈરાની સામે 55 હજારથી વધુ વોટથી હાર મળી હતી. જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધીને 4 લાખ 31 હજારથી વધુ વોટથી જીત મળી હતી. વાયનાડથી જીત્યા બાદ રાહુલ ગાંધી પહેલી વખત કેરળની મુલાકાતે છે. તેઓ રવિવાર સુધી કેરળમાં અલગ-અલગ કાર્યક્રમોમાં સામેલ થશે.
જીત બાદ રાહુલ ગાંધીએ 24 મેના રોજ વાયનાડની જનતાનો આભાર માન્યો હતો. બાદમાં 31 મેના રોજ તેમણે મુખ્યપ્રધાન પી. વિજયનને પત્ર લખીને વાયનાડમાં કર્જના કારણે આત્મહત્યા કરનારા ખેડૂતોની જાણકારી માંગી હતી. તેમણે સરકારને આગ્રહ કર્યો હતો કે ખેડૂતોના પરિવારની આર્થિક મદદનું વર્તુળ મોટું કરવામાં આવે.