Site icon Revoi.in

જેટ એરવેઝ કટોકટી: HDFCએ એરલાઇન્સની મુંબઈના BKCમાં આવેલી ઓફિસને વેચવા કાઢી

Social Share

હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ કોર્પોરેશન (HDFC)એ જેટ એરવેઝની ગોદરેજ BKC માં આવેલી મુંબઈ ઓફિસને વેચાણ માટે મૂકી છે. બિલ્ડીંગના ચોથા માળે આવેલી 52,775 સ્ક્વેર ફૂટની ઓફિસની રિઝર્વ પ્રાઇસ 245 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. દેવાંમાં ડૂબેલી જેટ એરવેઝ એચડીએફસી પાસેથી લીધેલી રૂ.415 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ ગઈ તે પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ રકમ વ્યાજ અને અન્ય ચાર્જિસ ઉપરાંતની રકમ છે.

HDFCએ આ માટે એરલાઇન્સને લીગલ નોટિસ મોકલી છે કે તેઓ કંપનીએ બેંક પાસે મોર્ટગેજ કરેલી પ્રોપર્ટીને બેંક વેચી રહી છે. ઉલ્લેખનીય છે કે એરલાઇન્સના માથે લેણદારોનું રૂ.8500 કરોડનું દેવું છે અને જ્યારે બેંકે નવા ફંડ્સ એક્સટેન્ડ ન કર્યા ત્યારે એરલાઇન્સને પોતાના ઓપરેશન્સ બંધ કરી દેવા પડ્યા.

એક દિવસ પહેલા જેટ એરવેઝે જણાવ્યું હતું કે 10 મે પછીથી તેઓ નોન-મેટ્રો એરપોર્ટ્સ પર તે સિક્યોરિટી સર્વિસિઝ જેવીકે પ્રિ-ડિપાર્ચર ચેક્સ, બેગેજ એક્સ-રે, સ્ટાફનું ચેકિંગ અને ફોરેન એરલાઇન્સમાં ઇમરજન્સી સમયે પેસેન્જર્નું ચેકિંગ વગેરે આપવાનું બંધ કરી દેશે. આ ઓપરેશનના બંધ થવાની અસર 38 ફોરેન કેરિયર્સને પડશે જેઓ ભારત માટેની ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે.