ઝારખંડના સરાયકેલા ખરસાવાંમાં ચોરીની આશંકામાં નારાજ ભીડે 22 વર્ષીય મુસ્લિમ યુવકની માર મારીને હત્યા કરી છે. આ યુવકની ઓળખ તબરેઝ અંસારી તરીકે થઈ છે. ઝારખંડ દેશનું એક માત્ર રાજ્ય નથી કે જ્યાં ભીડ જ ઓન-ધ-સ્પોટ ચુકાદો આપી દે છે. ગત કેટલાક વર્ષોથી હિંદુસ્તાનમાં આવી ઘટનાઓ યુપી, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનમાં બની છે. મોબ લિંચિંગમં દેશમાં જેટલા લોકો માર્યા ગયા છે, તેમાં સાત ટકા મહિલાઓ પણ સામેલ છે.
દેશમાં 2009થી 2019ના સમયગાળામાં હેટ ક્રાઈમના 287 મોટા મામલા સામે આવ્યા છે. આ હેટ ક્રાઈમમાં માત્ર બિનહિંદુ ભોગ બનતા હોવાનો એક અભાસ ઉભો કરવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં હિંદુઓ પણ હેટ ક્રાઈમનો ભોગ બને છે. 2009થી 2019 દરમિયાન હેટ ક્રાઈમના મોટા 287 મામલામાં 98ના મોત અને 722 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આમા સૌથી વધુ 59 ટકા મુસ્લિમ, 14 ટકા હિંદુ અને 15 ટકા ખ્રિસ્તી સમુદાયના લોકો છે.
આમા સૌથી વધુ 28 ટકા હુમલા ગૌરક્ષાના મામલે, 13 ટકા હુમલા બે સમુદાયના લોકો વચ્ચે પ્રેમ પ્રસંગ પર, 9 ટકા ધાર્મિક હિંસા અને 29 ટકા હુમલા અન્ય કારણોથી થયા છે. ગૌરક્ષાના મામલે જ સૌથી વધુ મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. 2014થી અત્યાર સુધીમાં આખા દેશમાં આવા 125 મામલા સામે આવ્યઆ છે. આ મામલામાં 48 લોકોના મોત થયા છે અને 252 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
યુપીમાં 19 ઘટનાઓમાં 11ના મોત, 39 ઈજાગ્રસ્ત થયા છે
હરિયાણામાં 15 ઘટનાઓમાં 6ના મોત, 36 ઘાયલ થયા છે.
ઝારખંડમાં 12 ઘટનાઓમાં 7ના મોત, 17 ઘાયલ થયા છે.
કર્ણાટકમાં 12 ઘટનાઓમાં 2ના મોત, 21 ઘાયલ થયા છે.
ગુજરાતમાં 11 ઘટનાઓમાં 1નું મોત, 28 ઈજાગ્રસ્ત થયા છે.
મોબ લિંચિંગમાં મુસ્લિમ ધર્મના 56 ટકા, અજ્ઞાત 17 ટકા, 9 ટકા હિંદુ અનુસૂચિત જાતિના લોકો, 9 ટકા હિંદુ અને 2 ટકા હિંદુ આદિવાસીઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 2 ટકા ખ્રિસ્તીઓ પણ આનો ભોગ બન્યા છે.
લોકોને ચોરી, ગૌરક્ષા, માન-સમ્માન અને ધર્મના નામે ભડકાવવામાં આવે છે. આજકાલ આનું સૌથી મોટું માધ્યમ સોશયલ મીડિયા છે. ભડકેલી ભીડ ઘણી જલ્દી ગુસ્સે થઈ જાય છે. આ ગુસ્સે ભરાયેલી ભીડ હત્યારી બની જાય છે. આવી ભીડ એ જોતી નથી કે પીડિત ક્યાં કામથી આવ્યો છે. આ ભીડ તર્કહીન અને વિવેકહીન પણ હોય છે. જેના કારણે આસામમાં માછલી પકડવા ગયેલા બે યુવકોને મારી નાખવાની અને ઝારખંડમાં મોબ લિંચિગની ઘટનાઓ દર વર્ષે ચર્ચાનું કારણ બને છે. દાદરી કાંડમાં ગૌમાંસ ખાવાની આશંકાને પગલે અખલાકની હત્યા પણ એક આવી જ ભીડના ગુસ્સાનું કારણ હતી.