ભારતમાતા મંદિરના સંસ્થાપક નિવર્તમાન શંકરાચાર્ય સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજનું મંગળવારે સવારે દેહાંત થયું છે. 90 વર્ષીય સ્વામી સત્યમિત્રાનંદ ગિરી મહારાજ દેશના વરિષ્ઠ સંતોમાં સામેલ હતા.
આધ્યાત્મના પ્રચાર-પ્રસાર માટે તેમની સેવાઓને જોતા કેન્દ્ર સરકારે તેમને પદ્મભૂષણથી પણ સમ્માનિત કર્યા હતા. તેઓ રામમંદિર આંદોલન સાથે પણ ઘણાં નજીકથી જોડાયેલા હતા.
90 વર્ષીય સ્વામી સત્યમિત્રાનંદ ગિરી મહારાજ ગત ઘણાં સમયથી અસ્વસ્થ હતા. તેમને તાજેતરમાં દહેરાદન ખાતેની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સતત વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સારવાર છતાં તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. તેમના અનુયાયી તેમને હોસ્પિટલમાંથી રજા અપાવીને હરિદ્વાર લઈ આવ્યા હતા.
સ્વાસ્થ્ય સ્થિર રહેવાને કારણે સ્વામીજીની ઈચ્છા મુજબ, તેમને હરિપુર કલાં ખાતેના આશ્રમમાં રાખવામાં આવ્યા હતા. જયરામ આશ્રમના અધિષ્ઠાતા ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બ્રહ્મસ્વરૂપ બ્રહ્મચારી, પ્રવક્તા વિવેકાનંદ સરસ્વતી, પૂર્વ પાલિકાધ્યક્ષ સતપાલ બ્રહ્મચારી, દેવાનંદ સરસ્વતી વગેરે તેમના ખબરઅંતર જાણવા માટે પહોંચ્યા હતા.
ગત નવેમ્બરમાં તેમમે રામમંદિર નિર્માણની માગણી સાથે હરકી પૈડી ખાતે આમરણાંત અનશન શરૂ કરવાની ચિમકી આપી હતી. તેના કારણે દિલ્હી સુધી ખળભળાટ વ્યાપી ગયો હતો. સરકારની સાથે જ ઘમાં સંતોએ હરિદ્વાર પહોંચીને તેમને અનશન નહીં કરવા માટે મનાવવાના પ્રયાસો કર્યા હતા.
ત્યારે તેમણે પોતાના અનશન ટાળી દીધા હતા. સ્વામી સત્યમિત્રાનંદ ગિરીના અનુયાયી દુનિયાના ખૂણેખૂણે છે. આશ્રમના સૂત્રો મુજબ, તેમના પાર્થિવ દેહને બુધવારે સાંજે ચાર વાગ્યે ભારતમાતા મંદિરના અન્ય આશ્રમ જનહિત ટ્રસ્ટના પરિસરમાં સમાધિ આપવામાં આવશે. તેમની અંતિમ યાત્રામાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓના સામેલ થવાના છે.
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના બ્રહ્મલીન થવા પર દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના બ્રહ્મલીન થવા પર દુખ વ્યક્ત કર્યું છે.