આજે ગુરુ પૂર્ણિમા છે. અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાએ દેશભરમાં ગુરુવંદના થઈ રહી છે. માનવામાં આવે છે કે આ દિવસ આદિગુરુ, મહાભારતના રચયિતા અને ચાર વેદના વ્યાખ્યાતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. તેમના સમ્માનમાં જ અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે.
જીવનમાં ગુરુ અને શિક્ષકના મહત્વથી આજની પેઢીને પરિચિત કરવા માટે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગુરુજન કહે છે કે વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા, અંધવિશ્વાસના આધાર પર નહીં, પરંતુ શ્રદ્ધાભાવથી મનાવવી જોઈએ. શિરડી ખાતે સાઈંના દરબારમાં આજેથી ત્રણ દિવસીય ઉત્સવની શરૂઆત થઈ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાઈં ભક્તો શિરડી પહોંચી રહ્યા છે.
આજના દિવસે ગુરુ પૂજન બાદ ગુરુના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. શીખ ધર્મમાં આ પર્વનું મહત્વ વધુ છે, કારણ કે શીખોના ઈતિહાસમાં 10 ગુરુઓના બેહદ મહત્વપૂર્ણ સ્થાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુ પૂર્ણિમાના દિવસે દેશવાસીઓને અભિનંદન આપ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે સમાજ નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવનારા તમામ ગુરુઓને આદરપૂર્વક નમન છે.
ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ છે કે ગુરુનું જ્ઞાન જ એક વ્યક્તિને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, ગુરુ જ શિષ્યનું માર્ગદર્શન કરી તેના જીવનને સાર્થક બનાવે છે.