ગાંધીનગરઃ ગુજરાતમાં વાહનોની સંખ્યામાં વધારો થતા અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. ત્યારે ગુજરાતને ફાટક મુક્ત બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આગામી ત્રણ કે ચાર વર્ષ સુધીમાં ગુજરાત ફાટર મુક્ત રાજ્ય બનશે તેવો નિર્ધાર નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને 7400 કરોડના ખર્ચે ફાટક મુક્ત રાજ્ય બનાવાશે. નગરપાલિકા અને કોર્પોરેશનની ગ્રાન્ટ આપીને શહેરમાંથી જે રેલવે લાઈન પસાર થાય છે ત્યાં ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં 68 જેટલા ઓવરબ્રિજ બનશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગ દ્વારા ફાટકમુક્ત ગુજરાતની જોગવાઇ કરાઈ છે. જેના માટે 50 ટકા રેલ્વે અને રાજ્ય સરકારના ખર્ચે કામ ચાલે છે. 72 જેટલા ફાટક પર હાલ ફાટક મુક્ત ગુજરાતનુ કામ ચાલુ છે. ત્રણ ચાર વર્ષમા ફાટક મુક્ત રાજ્યમાં ગુજરાત પહેલુ રાજ્ય બનશે.