ગાંધીનગર: જુદાંજુદાં રાજ્યોની વિધાનસભાઓમાં મોટાભાગે હંગામાને લઈને સમાચાર આવતા રહે છે, તેના કારણે ક્યાંકને ક્યાંક જનમાનસ બેહદ નિરાશ થઈ જાય છે. પરંતુ ગુજરાત વિધાનસભામાંથી આજે આવેલા સમાચાર ઘણાં સારા છે. 26મી જુલાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આખરી દિવસે એક નવો ઈતિહાસ રચાયો હતો.
ગુજરાત વિધાનસભામાં 26 જુલાઈએ સવારે 10 વાગ્યાથી શરૂ થયેલું સેશન 27 જુલાઈએ સવારે ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું. આના પહેલા સૌથી લાંબુ સેશન 6 જાન્યુઆરી, 1993ના રોજ રાત્રે 12-08 વાગ્યા સુધી ચાલ્યું હતું. 26 જુલાઈએ ચાલેલી ગૃહની કાર્યવાહીમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગુજરાત સરકારમાં પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર હતા.
રાત્રે 12-09 મિનિટે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્યોને જણાવ્યુ હતુ કે તેમણે ગુજરાતની સ્થાપના બાદ નવો ઈતિહાસ રચ્યો છે. તેના પછી ધારાસભ્યો પણ જોશમાં આવી ગયા હતા. બાદમાં ગૃહની કાર્યવાહી રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. તે દરમિયાન કુલ મળીને 13થી વધુ ખરડા પારીત કરવામાં આવ્યા હતા.