Site icon hindi.revoi.in

ગુજરાતમાં સિઝનનો 57 ટકા વરસાદ, આગામી સમયમાં ભાર વરસાદની આગાહી

Social Share

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 57 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં છેલ્લા 2 દિવસથી લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે અને સાથે સાથે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનના કારણે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 12 અને 13 ઓગસ્ટના રોજ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં 57 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 158 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 5.15 ઇંચ વરસાદ થયો છે.

દાંતા 2.5 ઇંચ, ડેડિયાપાડામાં 2.5 ઇંચ, સરસ્વતીમાં 2.15 ઇંચ, સિદ્ધપુરમાં 2.15 ઇંચ, પોશીનામાં 2 ઇંચ, વાલોડમાં 2 ઇંચ, વાંસદામાં પોણા 2 ઇંચ, દાંતિવાડામાં સવા 2 ઇંચ, મહુવામાં 2.15 ઇંચ, માણસામાં પોણા 2 ઇંચ, વઘઈમાં 1.5 ઇંચ, હિમતનગરમાં 1.5 ઇંચ, આહવામાં 1.5 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા વધારે જણાવવામાં આવ્યું કે આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે અને તેથી રાજ્ય ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

આગાહી પ્રમાણે 12 ઓગસ્ટના દિવસે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ  પડી શકે એમ છે અને 13 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Exit mobile version