આનંદ શુક્લ
- નાયકીદેવીની તલવાર ઘા ચુકી ન હોત, તો મુસ્લિમ સલ્તનત સ્થપાત નહીં
- પૃથ્વીરાજ સામેની લડાઈના 14 વર્ષ પહેલા નાયકીદેવીએ ઘોરીને હરાવ્યો હતો
- ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકની પણ ગુજરાતમાં પહેલી લડાઈમાં હાર થઈ હતી
ભારતનો ઈતિહાસ દેશભક્ત ઈતિહાસકારોના સ્થાને અરબી, તુર્કી, મુઘલ અને અફઘાન-અંગ્રેજ ઈતિહાસકારોના સંદર્ભો લઈને ભણાવવામાં આવે છે. આ ઈતિહાસમાં મુશ્કેલી એ છે કે દેશભક્ત ઈતિહાસકારોના દ્રષ્ટિકોણને દબાવી દેવામાં આવે છે. ગુજરાતની ઘણી ઐતિહાસિક ઘટનાઓ એવી છે કે જેના કારણે ગુજરાતીઓનું ખમીર અને ભારતીયોની શૂરવીરતા જાગે. પણ એક ષડયંત્ર હેઠળ ઈતિહાસનું વિકૃતિકરણ કરીને આવા ખમીર અને શૂરવીરતાને જાગવા નહીં દેવાનો કારસો ભારતની આઝાદીના 72 વર્ષ અને તેના પહેલાના 200 વર્ષ પહેલા ઘડવામાં આવ્યો હતો.
ભારતની લોકકથાઓ અને કિવદંતીઓમાં રહેલા ઈતિહાસ અને શૂરવીરોની શૂરવીરતાને મુસ્લિમ-અંગ્રેજ-કમ્યુનિસ્ટ વિચારધારાની અસર હેઠળના ઈતિહાસકારોએ ખૂબ પ્રયત્નપૂર્વક દબાવ્યો છે. પણ તેમની આવી કોશિશો નિષ્ફળ રહી છે. લોકકથા અને કિવદંતીઓમાં રહેલો ઈતિહાસ કે સાધુ-મહાત્માઓ અને જૈન સાધુઓ દ્વારા લખાયેલા પુસ્તકોમાં આવો ઈતિહાસ સચવાયેલો છે.
આજે ગુજરાતના આવા જ એક સુવર્ણિમ ઐતિહાસિક પૃષ્ઠની વાત કરવી છે. ભારતમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના અફઘાન લૂંટારા ઘોર પ્રાંતના શાસક શાહબુદ્દીન મુહમ્મદ ઘોરીએ કરી હતી. મુહમ્મદ ઘોરીએ દિલ્હીની ગાદી પર પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને પોતાના ગુલામ કુતુબુદ્દીન ઐબકને રાજકાજ સોંપ્યું હતું.
પરંતુ શું આપણને એવું કંઈ ભણાવવામાં કે કહેવામાં આવ્યું છે કે શાહબુદ્દીન મુહમ્મદ ઘોરી ગઝનીના તેના પુરોગામી સુલ્તાન મહમૂદ ગઝનવીના માર્ગે જ ભારત પર આક્રમણો કરવાની મનસા ધરાવતો હતો. તેણે પોતાના પહેલા આક્રમણમાં જે માર્ગ પસંદ કર્યો હતો, તે માર્ગ મુલ્તાન અને ગુજરાત થઈને આગળ વધવાનો હતો. પરંતુ આ મુહમ્મદ ઘોરીને ગુજરાતના મહારાણી નાયકીદેવીએ પૃથ્વીરાજ ચૌહાણ સામેની તેની લડાઈના 14 વર્ષ પહેલા હરાવ્યો હતો. ઘોરી મહારાણી નાયકીદેવીના હાથે હાર્યો જ ન હતો, પરંતુ તેની બેઠકના ભાગે(ગુહ્ય ભાગ) મહારાણી નાયકીદેવીની તલવારનો ઘા વાગ્યો હતો. કેટલાક વર્ણન પ્રમાણે મુહમ્મદ ઘોરી આ તલવારના ઘાથી નપુંસક બની ગયો હતો.
ભારતમાં સદીઓ સુધી રાજ્ય કરનારા ઘણાં રાજવંશોના ઈતિહાસને ઈતિહાસકારોએ ષડયંત્રકારી યોજનાઓ પ્રમાણે વિસ્મૃત કરાવવાની કોશિશો કરી છે. જેના કારણે ભારતના ઈતિહાસકારોના પુસ્તકોમાં કેટલાક મુઠ્ઠીભર આક્રમણખોર અને લૂંટારાઓ દ્વારા સ્થાપવામાં આવેલા રાજવંશો કે જે હકીકતમાં ભારતની ગુલામીનો ઈતિહાસ છે, તેનું મહિમામંડન કરીને ભારતના લોકોની સામે રજૂ કરવામાં આવે છે.
શાહબુદ્દીન મુહમ્મદ ઘોરીએ દિલ્હીની ગાદી પર આસિન પૃથ્વીરાજ ચૌહાન સામે તરાઈના પહેલા યુદ્ધમાં હાર બાદ તરાઈના 1192માં થયેલા બીજા યુદ્ધમાં તેમને હાર આપી હતી. પરંતુ જો નાઈકીદેવીની તલવાર ઘા ચુકી ન હોત, તો કદાચ દિલ્હીની ગાદી પર મુસ્લિમ સલ્તનતની શરૂઆત જ થઈ ન હોત.
વીર ગાથા-1: મહારાજા સૂરજમલ માટે મુઘલો કહેતા- ‘અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’
મહમૂદ ગઝનવીના પદચિન્હો પર ચાલતા તેના ઘણા સમયગાળા બાદ ઘોર-ગઝનીની ગાદી પર આવેલા મુહમ્મદ ઘોરીએ 1175માં મુલ્તાન પર આક્રમણ કરીને શિયાપંથી મુસ્લિમ શાસક કરામાતીના રાજ્યનો અંત આણ્યો હતો. કરામાતી મુસ્લિમ બનતા પહેલા બૌદ્ધ હતો. બાદમાં 1178માં બીજું આક્રમણ ગુજરાત પર કર્યું હતું. ગુજરાત પર આક્રમણમાં ઘોરીને પહેલી હાર મળી હતી.
ઘોરીને હરાવનારી આવી વીરાંગના ગુજરાતી મહારાણી નાયકીદેવી ગોવામાં જન્મ્યા હતા. તેઓ સોલંકી રાજા અજયપાલના વિધવા પત્ની અને ચાલુક્ય સોલંકી વંશના રાજમાતા હતા. તેમણે ટૂંકા સમયગાળા દરમિયાન પોતાના બાળકુંવર મૂળરાજ-2ના સંરક્ષક તરીકે અહણિલવાડ પાટણની ગાદી પર રાજ્ય કર્યું હતું. ગોવાના કદંબ શાસક મહામંડલેશ્વર પર્માંડીના કુંવરી નાયકી દેવીના પતિ અને સોલંકી રાજા અજયપાલની 1176માં અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારે અજયપાલ બાદ તેમના પુત્ર મૂળરાજ-2ને અહણિલવાડ પાટણની રાજગાદી પર આસિન કરીને તેમના સંરક્ષક તરીકે તેમણે રાજકાજ સંભાળ્યું હતું.
મુહમ્મદ ઘોરીએ મહારાણી નાયકીદેવીની સુંદરતા સંદર્ભે પણ ઘણું સાંભળ્યું હતું અને પતિના મોત બાદ બાળરાજાના સંરક્ષક તરીકે રાજકાજ ચલાવતા હોવાનું સાંભળીને નરપિશાચની દાઢ ડળકી હતી. ગુજરાતમાં લૂંટફાટ અને કત્લેઆમ કરવા સિવાય ઘોરીને નાયકીદેવીને પણ મેળવવા હતા. આના માટે ઘોરીએ નાયકીદેવીને સંદેશો પણ મોકલ્યો હતો. નાયકીદેવીએ દ્વારકાધીશના દર્શન કરીને જયશ્રી કૃષ્ણના ઉદઘોષ સાથે ઘોરીની સામે લડવાની ઘોષણા પણ કરી દીધી હતી.
ઈતિહાસ દર્પણ-1 : ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. પૂર્વે 220માં બનેલું શકુનિકા વિહાર જૈન મંદિર હતું!
ગુજરાતના દરબારના રાજકવિ સોમેશ્વરે પણ નોંધ્યું છે કે બાળરાજા મૂળરાજે (નાયકીદેવીના પુત્ર) મલેચ્છ (ઘોરી) સેનાને હરાવી હતી. જો કે નાયકીદેવીએ શાહબુદ્દીન મુહમ્મદ ઘોરીની સેનાને હરાવી હોવાની ઐતિહાસિક ઘટનાનું વર્ણન 14મી સદીમાં જૈન સાધુ મેરુતુંગા દ્વારા તેમના સાહિત્યમાં જોવા મળે છે. તેમના દ્વારા લખવામાં આવેલા પ્રબંધ ચિંતામણિમાં માઉન્ટ આબુની તળેટીમાં ગાગરઘાટ અથવા ક્યારા નજીક મલેચ્છ રાજા (ઘોરી)ની સામે મૂળરાજ-2ના માતા નાયકી દેવીએ કરેલા વીરતાપૂર્વકના યુદ્ધનું વર્ણન છે.
13મી સદીના ઘોરના પર્શિયન ઈતિહાસકાર મિનહાજ-એ-સિરાજે પણ નોંધ્યું છે કે મુહમ્મદ ઘોરીએ ઉચ્છા અને મુલ્તાન થઈને નાહરવાલ (સોલંકી રાજના પાટનગર અહણિલવાડ પાટણ) તરફ કૂચ કરી હતી. પર્શિયન ઈતિહાસકાર મિનહાજ એ સિરાજે બાદમાં ગુલામ વંશ હેઠળની દિલ્હી સલ્નતના તાબામાં કામ કર્યું હતું. તેના વર્ણન પ્રમાણે, નહરવાલના રાજા નાના હતા, પરંતુ હાથીઓ સાથેની સેનાનું નેતૃત્વ કર્યું હતું. આ યુદ્ધમાં મુસ્લિમ સેનાને હાર મળી હતી અને ભાગવું પડયું હતું, તથા આક્રમણ કરનાર રાજાને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું.
આ યુદ્ધમાં નાયિકીદેવી પોતાના પુત્ર બાળરાજા મૂળરાજ-2ને પીઠ પર બાંધીને મુહમ્મદ ઘોરીની સેના સામે લડયા હતા. નાયકીદેવીએ મલેચ્છ સેનાને હરાવવાની રણનીતિ પ્રમાણે માઉન્ટ આબુના તળેટી વિસ્તારમાં આવેલા ગાગરઘાટનું સ્થાન પસંદ કર્યું હતું. આ સ્થાન કસાહ્રાદા (Kasahrada), જે હાલના સમયમાં (અહણિલવાડ) પાટણથી 65 કિલોમીટર દૂર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા ક્યારા ગામ નજીક છે. અહીંના સાંકડા ઘાટ ગુજરાતના સોલંકી અને પાડોશી પરમાર વંશી રાજાઓની સેના માટે ઘણાં ફાયદાકારક રહ્યા હતા.
આ સેનાનું નેતૃત્વ બાળરાજાને પોતાની પીઠ પર બાંધીને નાયકીદેવીએ સંભાળ્યું હતું. મુલ્તાન જીતીને આવેલા મુહમ્મદ ઘોરીને મહારાણી નાયકીદેવીએ ‘બાળરમત’ની જેમ હરાવ્યું હતું. નાયકી દેવી અને તેમના લશ્કરે ઘોરીના સેંકડો સૈનિકોને માર્યા હતા અને તેમને ભાગવા માટે મજબૂર કર્યા હતા.
આ યુદ્ધમાં મુહમ્મદ ઘોરી પણ માંડમાંડ જીવ બચાવીને પોતાના અંગરક્ષકોની મદદથી ભાગી શક્યો હતો. ઘોરી સુધી પહોંચતા સુધીમાં મુહમ્મદ ઘોરી ઘોડા પરથી ઉતર્યો ન હતો. તેણે તેના અંગરક્ષકોને સૂચના આપી હતી કે તેને એક ઘોડા પરથી બીજા ઘોડા પર મૂકવામાં આવે, પણ તેને નીચે ઉતારવામાં આવે નહીં. ગુજરાતના મહારાણી નાયકીદેવીની સેનાનો ખોફ ઘોરીને ઘોર પહોંચવા સુધી રહ્યો હતો. આ યુદ્ધમાં નાયકીદેવી પણ ઘાયલ થયા હતા અને તેને કારણે થોડકા સમયગાળામાં તેમનું પણ નિધન થયું હતું.
ગુજરાતમાં બે સંસ્કૃત વર્ણનોમાં મૂળરાજ-2ને ગર્જનાક્સ (ગઝનીના રાજા)ને જીતનાર તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. એક વર્ણનમાં જણાવવામાં આવ્યું છે કે મૂળરાજ-2ના શાસનકાળમાં મહિલા પણ હમ્મીર (અમીર)ને હરાવી શકતી હતી.
કહેવામાં આવે છે કે મુહમ્મદ ઘોરીના અનેક મહિલાઓ સાથે સંબંધો હોવાને કારણે તે નપુંસક બની ગયો હતો. તો કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે જ્યારે ઘોરીએ નાયિકીદેવીના રાજ્ય પર હુમલો કર્યો હતો, ત્યારે વીરાંગનાએ યુદ્ધ દરમિયાન પોતાની તલવારથી લૂંટારાને નપુંસક બનાવ્યો હતો.
ગુજરાતના મહારાણી નાયકીદેવીના હાથે હારનાર મુહમ્મદ ઘોરીના ગુલામ અને દિલ્હીના સુલ્તાન બની બેઠેલા કુતુબુદ્દીન ઐબકને તેના અંદાજે બે દાયકા બાદની લડાઈમાં કુમારદેવીએ હરાવ્યો હતો. આ કુમારદેવી નાયકીદેવીના પુત્રી હતા. (તેમના સંદર્ભે ફરી ક્યારેક વાત કરીશું)
ગુજરાતના મહારાણી નાયકીદેવી સામેની હાર બાદ ઘોરીએ ભારત પરના આગામી આક્રમણોમાં પોતાની યોજના અને માર્ગ બંને બદલ્યા હતા. બાદના વર્ષોમાં ભારત પર આક્રમણ માટે મુહમ્મદ ઘોરી ખૈબર ઘાટથી દાખલ થઈને પહેલા પેશાવર અને બાદમાં લાહોર કબજે કરીને દિલ્હી તરફ આગળ વધ્યો હતો. તેણે તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હી પર મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી હતી.