- ગુજરાતમાં રેફ્રિજરેટેડ વેક્સીન ટ્રાન્સપોર્ટ બોક્સ બનશે
- ગ્રામ્યવિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે કોરોનાની દવા
- રેફ્રિજરેટેડ બોક્સ માર્ચ 2021 સુધીમાં વિતરણ માટે તૈયાર થઈ શકે છે
અમદાવાદ: કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે. એમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ જ નથી લેતું. દરેક જણ કોરોના વેક્સીન આવે તે માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ દરેક રીતે તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના ગ્રામ્યવિસ્તારઓમાં વેક્સીન પહોંચાડવા માટે ગુજરાતમાં એક વિશેષ રેફ્રિજરેટેડ વેક્સિન ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટની સ્થાપના માટે લક્ઝમબર્ગમાં તેમના સમકક્ષ ઝેવિયર બેટેલ સાથે હાથ મિલાવ્યો છે.
દિલ્હી અને અમદાવાદ સ્થિત સૂત્રોના જણાવ્યા મુજબ લક્ઝમબર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમ્સ સોલર વેકસીન રેફ્રિજરેટર, ફ્રીઝર અને ટ્રાન્સપોર્ટ બોક્સ સહિતની વેક્સીન કોલ્ડ ચેન સ્થાપિત કરવા માટે આગામી સપ્તાહે ગુજરાતમાં એક ઉચ્ચ કક્ષાની ટીમ મોકલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સંપૂર્ણ પ્લાન્ટ લગાવવામાં લગભગ બે વર્ષનો સમય લાગશે.
જાણકારી મુજબ કંપનીએ ફક્ત લક્ઝમબર્ગથી રેફ્રિજરેટેડ બોક્સ લાવવાની યોજના બનાવી છે અને ભારતીય સ્થાનિક બજારમાંથી બાકીના અન્ય સ્રોતોની ખરીદી કરીને ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ પ્રારંભ કરવાનું નક્કી કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, રેફ્રિજરેટેડ વેક્સીન ટ્રાન્સપોર્ટ બોક્સમાંથી 4 ડીગ્રી સેલ્સિયસ થી લઈને 20ની વચ્ચે વેક્સીનને ડીલીવર કરવામાં આવી શકે છે. જો કે,લક્ઝમબર્ગ સ્થિત કંપની પાસે શૂન્યથી 80 ડિગ્રી સુધી વેક્સીનનું પરિવહન કરવાની તકનીક છે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર લક્ઝમબર્ગના પ્રસ્તાવની વ્યક્તિગત રૂપથી નજર રાખી રહ્યા છે. તો યુરોપિયન સંઘમાં ભારતના રાજદૂત સંતોષ ઝા ગુજરાત સાથેની વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટે 20 નવેમ્બરે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી અને ડેપ્યુટી સીઈઓ સાથે મુલાકાત કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌર, કેરોસીન, ગેસ અને વીજળી દ્વારા સંચાલિત રેફ્રિજરેટેડ બોક્સનું વિતરણ કરવા માટે માર્ચ 2021 સુધીમાં તૈયાર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત બી મેડિકલ સિસ્ટમ્સ કંપની બીજા તબક્કામાં ભારતીય સપ્લાય કરવા માટે ગુજરાતમાં આખું પ્લાન્ટ સ્થાપશે નહીં, પરંતુ તે જરૂરીયાત મુજબ અન્ય દેશોમાં પણ ડીલીવરી કરી શકશે.
_Devanshi