
ગુજરાત ઠંડીમાં ઠુઠવાયું : માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ
- માઉન્ટ આબુમાં 2 ડિગ્રી તાપમાન
- અમદાવાદમાં ઠંડીનો ચમકારો, 14.3 ડિગ્રી તાપમાન
- રાજ્યનું સૌથી ઠંડુ નગર રહ્યું નલિયા

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને ઠંડા પવન ફૂંકાતા લોકો કડકડતી ઠંડીમાં ઠુઠવાયા હતા. બીજી તરફ ગુજરાતની નજીક આવેલા ગિરિમથક માઉન્ટઆબુમાં ઠંડીનો પારો ગગડીને 2 ડિગ્રીએ પહોંચ્યો છે. જેથી બરફની ચાદર છવાઈ છે. જ્યારે ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા હોવાથી લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. નલિયાનુ લઘુતમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યના સીમાડે આવેલા ગિરિમથક માઉન્ટઆબુમાં ઠંડીનો પારો ગગડતા તાપમાન 2 ડિગ્રીએ પહોંચ્યું છે. આબુમાં તાપમાનનો પારો ગગડતા મોડી રાત્રે ગાડીઓ પર બરફની ચાદર છવાઈ હતી. આ મોસને ઉજવવા માટે ગિરિમથકમાં દૂરદૂરથી સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા. માઉન્ટઆબુના મુખ્ય આકર્ષણ નકી લેકમાં પાર્ક કરેલી હોડીઓની સીટ પર પણ બરફ જામી ગયો હતો. વહેલી સવારે ઝાકળ અને ભેજના કારણે આબુમાં હરફની આછી ચાદર છવાઈ હતી. જોકે, સ્થાનિકોના મતે આ સીઝનમાં પહેલીવાર આબુમાં હરફની છારી જોવા મળી છે. એટલે કે હવે માઉન્ટ આબુમાં શિયાળાની ધમાકેદાર એન્ટ્રી થાય તેવી વકી છે.
ગુજરાતના અમદાવાદ અને ડીસા, રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરનું લઘુત્તમ તાપમાન પણ ગગડ્યું છે. ડીસામાં તાપમાનનો પારો 12.5 ડિગ્રી, અમદાવાદમાં 14.3 ડિગ્રી, રાજકોટ 13.3 ડિગ્રી, ભૂજ 13.3 ડિગ્રી, સુરેન્દ્રનગર 13.1 ડિગ્રી, ગાંધીનગર અને સુરત 17 ડિગ્રી તેમજ વડોદરાનું તાપમાન 16. ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાયા હતા.