જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પોતાની સ્થાનિક ટુકડીઓને હથિયારો અને અન્ય સરંજામની સપ્લાઈ કરી છે. પરંતુ કાશ્મીરની મુખ્ય પ્રાદેશિક પાર્ટીમાંથી એક પીડીપીએ કેન્દ્ર સરકાર પર હિંદુઓને હથિયારોથી સજ્જ કરવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના ઘણાં ગામડાંમાં વિલેજ ડિફેન્સ કમિટી બનાવવામાં આવી છે. તે ભારતીય સુરક્ષાદળોની દેખરેખમાં કામ કરે છે. પરંતુ પીડીપીએ સુરક્ષાદળોના નામ પર પણ કોમવાદી રાજકારણ ખેલવાનું શરૂ કર્યું છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે માત્ર સ્થાનિક હિંદુઓને હથિયારોથી સજ્જ કરાઈ રહ્યા છે.
ટાઈમ્સ નાઉના અહેવાલ પ્રમાણે, પીડીપીએ કહ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ બધું ભાજપના સ્થાનિક નેતાઓના કહેવાથી કરી રહ્યું છે. પીડીપીએ કહ્યું છે કે કોમવાદી રૂપથી સંવેદનશીલ વિસ્તારો, જેવા કે કિશ્તવાડમાં સ્થાનિક લોકોને હથિયારો સપ્લાઈ કરાઈ રહ્યા છે. પીડીપીના નેતા ફિરદૌસે કહ્યુ છે કે પહેલેથી હથિયારોનો ઉપયોગ ખંડણી માંગવા, બળાત્કાર અને લૂંટફાટ માટે કરવામાં આવતો રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે માત્ર સ્થાનિક જનતા જ નહીં, પણ આરએસએસની કેડરને પણ શસ્ત્ર સજ્જ કરી છે.
પીડીપીના નેતાનો દાવો છે કે રાજ્યમાં સંભવિત વિધાનસભા ચૂંટણીને જોતા વર્ગ વિશેષની વોટબેંકને પોતાના પક્ષમાં કરવા માટે જમ્મુને એક યુદ્ધસ્થાની જેમ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ડોડા અને કિશ્તવાડ વિસ્તારોમાં વિલેજ ડિફેન્સ કમિટીઓએ સુરક્ષાદળોને આતંકવાદ વિરોધી ઓપરેશનોમાં ઘણી મદદ કરી છે. હવે પીડીપી આત્મરક્ષા માટે કરવામાં આવી રહેલી કોશિશોને કોમવાદી રંગ આપી રહી છે.
સરકારે વિલેજ ડિફેન્સ કમિટીને વધારે મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે અને આ દિશામાં પગલા પણ આગળ વધારવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન કવિન્દરસિંહે કહ્યુ છે કે પીડીપી એન્ટિનેશનલ વાતો કરી રહી છે. તેમણે વિલેજ ડિફેન્સ કમિટીના વખાણ કરતા કહ્યુ છે કે તેણે સુરક્ષા માટે ઘણું સારું કામ કર્યું છે.