સર્ચ એન્જિન ગૂગલે પોતાના હોમપેજ પર આજે એક મહિલાની તસવીર લગાવીને એક ડૂડલ બનાવ્યું છે. આ મહિલાનું નામ છે એલેના કોર્નારો પિસ્કોપિયા. તેઓ દુનિયાના પ્રથમ પીએચડી ડિગ્રીધારી મહિલા છે. એલેનાના 373મા જન્મદિવસ પર ગૂગલે આ ડૂડલ તેમને સમર્પિત કર્યું છે. એલાનાને હેલેન કોર્નારોના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેમને એક દાર્શનિક તરીકે પણ ઓળખ મળી છે. એટલું જ નહીં, સંગીત અને ભાષા વિજ્ઞાન જેવા વિષયોમાં પણ તેમણે ઉદાહરણ પ્રસ્તુત કર્યા છે.
માનવામાં આવે છે કે એલેના તે પ્રાથમિક મહિલાઓમાંથી એક હતા, જેમણે યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ઇટલીના વેનિસમાં 5 જૂન, 1646ના રોજ જન્મેલાં એલેનાએ 1678માં પોતાની પીએચડીની ઉપાધિ મેળવી. પોતાના માતા-પિતાના ત્રીજાં સંતાન એલેનાના પિતાનું નામ જિયાનબેટિસ્ટા કોર્નારો પિસ્કોપિયા અને માતાનું નામ જાનેટા બોની હતું. તેમના માતા ખેતી કરતા હતા અને ભૂખમરાથી બચવા માટે પછીથી તેઓ મુખ્ય શહેર ચાલ્યા ગયા.
એલેનાના જન્મ પછી 1654માં તેમના માતા-પિતાએ લગ્ન કર્યા અને ત્યારબાદ તેઓ રાજવંશ પરિવારના સભ્ય બન્યા. ભણવામાં હંમેશાં એલેનાની રૂચિ રહી અને તેઓ ખૂબ પ્રતિભાવાન હતા. તેમના પરિવારના એક દોસ્ત પ્રિસ્ટ જિયોવાની ફેબ્રિસની સલાહ પર એલેનાને ભણવા માટે મોકલવામાં આવ્યા. માત્ર સાત વર્ષની ઉંમરમાં એલેનાએ લેટિન અને ગ્રીક ભાષાઓ ઉપરાંત ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષા પણ શીખી લીધી હતી. હિબ્રુ અને અરબીમાં પણ દક્ષતા હાંસલ કર્યા બાદ તેમણે ‘ઓરાકુલમ સેપ્ટિલિંગુ’ની પદવી આપવામાં આવી.
ગણિત, દર્શન અને ધર્મ સાથે જોડાયેલા અધ્યયનમાં પણ પોતાનો સમય આપનારા એલેનાને સંગીતમાં પણ વિશેષ રસ હતો. સંગીતના ક્ષેત્રમાં પણ તેમણે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી અને અનેક વાદ્યયંત્રો વગાડવામાં મહારથ હાંસલ કરી. વીણા, વાયોલિન, હાર્પ્સિકોર્ડ અને ક્લાવિકોર્ડ વગાડતા શીખ્યા પછી તેમણે ઘણી ધૂનો પણ બનાવી. ભૌતિક, ખગોળ વિજ્ઞાન અને ભાષા વિજ્ઞાનમાં પણ તેમણે પોતાને સાબિત કર્યા અને 26 જુલાઈ, 1648માં મૃત્યુ પહેલા જીવનના છેલ્લાં સાત વર્ષ શિક્ષણ અને ચેરિટીને નામ કર્યા.