Site icon Revoi.in

મહુવાના વનસાવીઓએ મહુડાનો કર્યો સદઉપયોગ, ઔષધિપૂર્ણ ખાદ્યતેલનું કર્યુ ઉત્પાદન

Social Share

અમદાવાદઃ મહુડાનું નામ પડલા જ લોકોને મહુડાનો દેશી દારૂ યાદ આવી જાય છે. જો કે, સુરતના મહુવા તાલુકાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વનવાસીઓ મહુડાના બીજનો નશા માટે નહીં પણ ઔષધિપૂર્ણ ઉપયોગ કરી રહ્યાં છે. વનવાસીઓએ મહુડાના બીજમાંથી ખાદ્યતેલ બનાવીને રોજીદાંજીવનમાં ઉપયોગ શરૂ કર્યું છે. એટલું જ નહીં આ તેલનું વેચાણ કરીને આવકનું નવુ સાધન પણ ઉભુ કર્યું છે.

મહુવા તાલુકાના વહેવલ ગામ નજીક આવેલા જંગલમાં આમ તો ઘણા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, પરંતુ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વનવાસીઓએ કમાણીનું કોઈ યોગ્ય સાધન નહીં મળતા જંગલમાં ઉગતી વનસ્પતિને જ કમાણીનું સાધન બનાવ્યું છે, જંગલમાં ઉગતો મહુડો મોટાભાગે નસો કરવા જ ઉપયોગમાં લેવાય છે. જો કે, આયુર્વેદિક દ્રષ્ટિએ પણ મહુડાનું ઘણું મહત્વ છે. જેને સારીરીતે જાણવા વનવાસીઓ મહુડાના ફલ અને દોળીમાંથી ઔષધિપૂર્ણ ખાદ્યતેલ બનાવીને પોતોના ભોજનમાં તેનો ઉપયોગ કરી રહ્યાં છે. એટલું જ નહીં આ તેલનું વેચામ કરીને જીવન નિર્વાહ પણ કરી રહ્યાં છે.

સરકાર દ્વારા મહુડાનાં વૃક્ષને આરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે, તેથી તેનું વૃક્ષ છેદન કરી શકાતું નથી. મહુવા તાલુકાના વહેવલ ગામ નજીક આવેલા જંગલમાં વધુ પડતા મહુડાનાં વૃક્ષો છે. ત્યારે વનવાસીઓ મગદોડીના નામે પ્રચલિત એવા મહુડાના બીજને વીણીને ઘરે લાવે છે. ત્યાર બાદ તેને તોડીને સુકવવામાં આવે છે. બીજ સુકાઈ ગયા બાદ તેમાંથી ખાદ્યતેલ નીકાળવામાં આવે છે. આ ખાદ્યતેલનું માર્કેટમાં પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

મહુડાના વૃક્ષો રોજીરોટી આપતા હોવાથી આદિવાસી સમાજમાં આ વૃક્ષ કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખાય છે. આમ વનવાસીઓ જંગલને સાચવીને જંગલમાંથી મળતી કુદરતિ વસ્તુઓની મદદથી જીવન નિર્વાહ કરી રહ્યાં છે. વહેવલ નજીક આવેલુ જંગલ માત્ર વહેવલ જ નહીં તકરાણી અને ઉમરા સહિતના આસપાસના ગામના લોકોને જીવનની નવી રાહ ચીંધી છે.