વડાપ્રધાન નરેનદ્ર મોદીએ શનિવારે બિહારના અરરિયામાં જનસભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે અમે આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને માર્યા. આતંકીઓના માર્યા જવા પર કોંગ્રેસના મોટા નેતાઓની આંખોમાં આંસૂ આવી જતા હતા. આ પહેલા મોદીએ પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં પણ જનસભાને સંબોધી હતી.
મોદીએ અરરિયામાં કહ્યું, “બંગાળ પછી આ બીજો મોટો જનસૈલાબ છે. તમે લોકો રેલીમાં આટલી ગરમીમાં તપી રહ્યા છો. તમારી આ તપસ્યા ખાલી નહીં જાય. હું તેને વ્યાજ સહિત પરત કરીશ. આ ફણિશ્વરનાથ રેણુની ધરતી છે. તેમના પૌત્રએ મને તેમનું પુસ્તક ‘મૈલા આંચલ’ આપ્યું. તેમાં એક વાક્ય લખ્યું છે, ‘મૈં સાધના કરુંગા ગ્રામવાસિની ભારત મા કે મૈલે આંચલ તલે’ આ વાક્ય પાછળ જે પ્રેરણા છે, તે આપણા લોકો માટે મહત્વપૂર્ણ છે. જેને ભારત માતાથી તકલીફ હશે, જેઓ ‘ભારત તારા ટુકડા થશે’ જેવા નારા લગાવનારાઓની સાથે જઈને ઊભા રહી જાય છે, તેઓ ભારતના વિકાસ માટે સાધના કેવી રીતે કરી શકશે. જાતને મા ભારતી માટે ખપાવી પણ કેવી રીતે શકશે.”
વડાપ્રધાને કહ્યું, “જ્યારે સત્તાભોગ અને પરિવારનો વિકાસ જ લક્ષ્ય બની જાય છે ત્યારે દરેક જગ્યાએ ક્લેશ અને ભાગલા જોવા મળે છે. બિહારમાં તો આ સ્પષ્ટ જોવા મળે છે. આજે દેશમાં એક તરફ વોટભક્તિની રાજનીતિ છે તો બીજી બાજુ દેશભક્તિ છે. દેશભક્તિની રાજનીતિ શું હોય છે તે તમે પહેલા ઉરી અને પુલવામા હુમલા પછી જોયું. ભારતે આતંકીઓના ઘરમાં ઘૂસીને તેમને માર્યા પણ અને પાકિસ્તાનને અલગ-થલગપણ કરી દીધું. આવા જ પ્રકારની વોટબેન્કની રાજનીતિ પણ કરવામાં આવી હતી, જ્યારે દિલ્હીના બાટલા હાઉસમાં આપણા વીરોએ અનેક બોમ્બ ધમાકાઓમાં સામેલ આતંકીઓને ઠાર માર્યા હતા. પરંતુ આતંકીઓ પર કાર્યવાહીથી ખુશ થવાને બદલે કોંગ્રેસના મોટા નેતાઓની આંખોમાં આંસૂ આવી ગયા હતા.”