અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આ વર્ષે ગણેશ મહોત્સવની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે આણંદના વલ્લભવિદ્યાનગરમાં કોરોના થીમ ઉપર તૈયાર કરેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું છે. કોરોના થીમ ઉપર તૈયાર કરાયેલી મૂર્તિમાં વિઘ્નહર્તા કોરોના વોરિયર્સ એવા તબીબના સ્વરૂપમાં જોવા મળે છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને પગલે સરકારે પંડાલમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની પરવાનગી આપી નથી.
જો કે, ભક્તોએ પોતાના ઘર અને ઓફિસમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે અને દસ દિવસ સુધી રિદ્ધિ-સિદ્ધના દેવતાની પૂજા-અર્ચના કરવામાં આવશે. દરમિયાન આણંદના વલ્લભવિદ્યાનગરમાં કોરોના થીમ ઉપર તૈયાર કરાયેલા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું છે.
આ અનોખી થીમમાં ભગવાન ગણેશજીને ડોક્ટર સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તેમજ ભગવાનના ચરણોમાં દર્દી સારવાર લઈ રહેલો નજરે પડે છે. ગણેશજીની આ દોઢ ફૂટની મૂર્તિ શુદ્ધ માટીમાંથી ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે.