ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિતે કહ્યુ છે કે જ્યારે તેઓ ભારતમાં કામ કરી રહ્યા હતા, તો ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે તેમને કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એ સમાપ્ત થશે. ભારત પીઓકે પણ પાકિસ્તાન પાસેથી પાછું લેશે.
જમ્મુ-કાશ્મીરને મળનારા વિશેષાધિકારોની સમાપ્તિના નિર્ણય બાદ પાકિસ્તાનમાં જોરદાર પ્રતિક્રિયા થઈ છે. પાકિસ્તાનમાં એક ટેલિવિઝન ચેનલના કાર્યક્રમમાં અબ્દુલ બાસિતે કહ્યુ છે કે ઓક્ટોબર-2014માં તેમની મુલાકાત ભાજપના નેતા રામ માધવ સાથે થઈ હતી. અબ્દુલ બાસિતનો દાવો છે કે તે દરમિયાન તેમણે કહ્યુ હતુ કે ભારત આ મામલામાં કડક પગલા ઉઠાવવાની તૈયારી કરી ચુક્યું છે.
અબ્દુલ બાસિતે ટેલિવિઝન કાર્યક્રમમાં કહ્યુ કે રામ માધવના કાર્યાલયમાં મારી બેઠક એક કલાક ચાલી, તે દરમિયાન તેમમે એવી વાત કહી, જે હું અહીં જણાવી શકું તેમ નથી. પરંતુ ત્યાંથી જે મેસેજ મળ્યો તે સ્પષ્ટ હતો, હાઈકમિશનર સાહબ, પાકિસ્તાન હવે પોતાનો સમય બરબાદ કરી રહ્યું છે. આ જે મામલો છે તેના પર તમે સમજો છો કે શું અમે હુર્રિયત હુર્રિયત રમતા રહીશું. આ મામલાને તમે હવે સમાપ્ત સમજો. આ સમયની વાત છે. 370 છે તે પણ હટશે, 35-એ પણ જશે, તમે આ ફિકર કરો કે અમે તમારી પાસેથી પીઓકે પણ લઈ લઈએ નહીં, આ એક પ્રકારની ધમકી હતી.
બાસિતે કહ્યુ છે કે અત્યારે ભારતના વડાપ્રદાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પાસે જશે અને કહેશે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા ચાહે છે, તો તમે પાકિસ્તાન અધિકૃત કાશમીર પર મધ્યસ્થતા કરો, જે અત્યારે પાકિસ્તાનના કબજામાં છે. બાસિતે કહ્યુ છે કે ટ્રમ્પને અહીંની પરિસ્થિતિની જમીની જાણકારી નથી અને અહીંના સમીકરણ આપણી વિરુદ્ધ જઈ રહ્યા છે.