Site icon Revoi.in

MP: શિવરાજે કહ્યું- પરિવારે અરજી જ નથી કરી તો દેવું માફ કેવી રીતે થઈ ગયું?, કોંગ્રેસે જાહેર કર્યા અરજીના દસ્તાવેજ

Social Share

મધ્યપ્રદેશમાં ખેડૂતોનાં દેવાંમાફી પર રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાના પરિવારના સભ્યોના દેવાં માફ થવાના દાવાને રદિયો આપી દીધો છે. ચૌહાણે કહ્યું કે રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી કમલનાથ ખેડૂત દેવાંમાફી મામલે હજુ પણ ગેરમાર્ગે દોરે છે. રાહુલ લિસ્ટ બતાવી રહ્યા હતા કે મારા ભાઈ રોહિત ચૌહાણનું દેવું માફ થયું છે. મેં જ્યારે હકીકત જાણી તો ખબર પડી કે મારા ભાઈએ તો દેવાંમાફી માટે અરજી જ નહોતી કરી.

શિવરાજના આ નિવેદન પછી કોંગ્રેસે દેવાંમાફીના 2 ફોર્મનો ફોટો જાહેર કર્યો છે. તેમાં રોહિત સિંહ અને નિરંજન સિંહના નામ જોવા મળી રહ્યા છે.

શિવરાજે દેવામાફીની લિસ્ટ બતાવતા કહ્યું કે તેમાં મારા ભાઈ રોહિતના નામની આગળ લખ્યું છે- કરદાતા. પછીની કોલમમાં લખ્યું છે, દેવાંમાફી માટે કોઈ અરજી નથી કરી. કમલનાથ જણાવે કે તેમણે કેમ દેવું માફ કરી દીધું. આખરે મારા ઉપર આટલી મહેરબાની કેમ? શિવરાજે કહ્યું કે કોંગ્રેસ સરકારે હજુ સુધી ખેડૂતોનાં દેવાં માફ નથી કર્યા. ઉપરથી મને આઇડ્રોપ, બદામ, ચ્યવનપ્રાશ મોકલ્યું, જેથી હું જોઈ શકું કે કેટલા ખેડૂતોનાં દેવાંમાફ થયા છે. શિવરાજે કહ્યું કે ખેડૂતોની દેવાંમાફી કોંગ્રેસ સરકારનું જૂઠાણું છે. તેઓ રાજ્યના ખેડૂતોને મૂરખ સમજે છે. જ્યાં સુધી બેંક ખેડૂતોને દેવાંમાફીનું સર્ટિફિકેટ ન આપે, ત્યાં સુધી દેવાંમાફી માની શકાય નહીં. તેમણે કમલનાથને એક સલાહ પણ આપી અને કહ્યું- કમલનાથજી, તમારા સલાહકાર બદલી નાખો, આ લોકો તમને બરબાદ કરી નાખશે.

એક દિવસ પહેલા જ બુધવારે ગ્વાલિયરની ચૂંટણીસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શિવરાજના ભાઈ રોહિત સિંહ અને સગા કાકાના દીકરા નિરંજન સિંહનું પણ દેવું માફ થયું છે, તે પછી પણ તેઓ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજ ચ્યવનપ્રાશ લઈને પહોંચ્યા. તેમણે કહ્યું- બુધવારે કોંગ્રેસે મારા ઘરે બાબા રામદેવનો ચ્યવનપ્રાશ મોકલ્યો હતો. એનો અર્થ છે કે કોંગ્રેસની સંપૂર્ણ શ્રદ્ધા બાબા રામદેવની સાથે છે. શિવરાજે બીજેપીના નેતાઓને કહ્યું કે આ બધો સામાન કોંગ્રેસ નેતાઓને આપીને આવો અને તેમને કહો કે  આકમલનાથ અને રાહુલ ગાંધી સુધી પહોંચાડે.