દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મેક્સિકોના કોઈ વિદેશી નાગરિકને આપવામાં આવતા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે. ભારતમાં મેક્સિકોના રાજદૂત મેલ્બા પ્રિયાએ ‘ઓર્ડન મેક્સિકાના ડેલ અગુલિયા એઝ્ટેકા (એઝ્ટેક ઇગલ સન્માન)’ નામના આ સન્માનથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને નવાજ્યા. આ માટે એક ખાસ કાર્યક્રમ પુણેના એમસીસીઆઇએ ભવનમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રતિભા પાટિલ 2007-2012 દરમિયાન દેશના રાષ્ટ્રપતિ હતા. તેમના નામે દેશના પહેલા મહિલા રાષ્ટ્રપતિ હોવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. સન્માન મેળવ્યા પછી પ્રતિભા પાટિલે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને મેક્સિકોની વચ્ચે ઘણા પારસ્પરિક કરારો પર સહી થઈ હતી. તેમણે કહ્યું કે તેમના કાર્યકાળમાં બંને દેશોએ સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રતિભા પાટિલ દેશના પહેલા મહિલા છે જેમને આ સન્માન આપવામાં આવ્યું છે. આ વિશેની માહિતી મેક્સિકોમાં ભારતના રાજદૂત મેલ્બા પ્રિયાએ આપી. આ પહેલા વૈશ્વિક સ્તર પર નેલ્સન મંડેલા, ક્વીન એલિઝાબેથ દ્વિતીય, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને બિલ ગેટ્સ જેવા વ્યક્તિઓને આ સન્માન મળી ચૂક્યું છે.