Site icon Revoi.in

સતત આચારસંહિતા તોડી રહ્યા છે PM, કાફલાની તલાશી થવી જોઈતી હતી- કુરેશી

Social Share

ઓડિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનાર આઇએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેના પર પૂર્વ ઇલેક્શન કમિશ્નર ડૉ. એસવાય કુરેશીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓફિસરો વિરુદ્ધ કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે. અમે બંધારણીય સંસ્થાઓની ઇમેજને સુધારવાનો મોકો ગુમાવી દીધો.

ટ્વિટર પૂર્વ ઇલેક્શન કમિશ્નર ડૉ. એસવાય કુરેશીએ કહ્યું કે ઓડિશામાં પીએમ મોદીના હેલિકોપ્ટની તલાશી લેનારા અધિકારીનું સસ્પેન્શન ન માત્ર દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ આપણે ચૂંટણીપંચ અને વડાપ્રધાન જેવી બંધારણીય સંસ્થાઓની ઇમેજને સુધારવાનો એક જોરદાર મોકો પણ ગુમાવી દીધો છે. બંને સંસ્થાઓની જનતા પ્રત્યે જવાબદારી બને છે. પીએમ મોદી સતત ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને ચૂંટણીપંચ દરેક વખતે તેને અવગણી નાખે છે.

ડૉ. એસવાય કુરેશીએ કહ્યું કે કાયદો બધા પર લાગુ થાય છે, પછી તે વડાપ્રધાન હોય કે સામાન્ય નાગરિક. જો હેલિકોપ્ટરની તલાશી લેવાના મામલામાં કાર્યવાહી ન કરવામાં આવે તો તેનાથી ચૂંટણીપંચ અને વડાપ્રધાન જેવી સંસ્થાઓની કરવામાં આવી રહેલી ટીકા અટકી જાત, પરંતુ દુર્ભાગ્યથી આ થઈ શક્યું નહીં.

ઓડિશાના સીએમ નવીન પટનાયકના હેલિકોપ્ટરની તલાશીની ઘટનાનો ઉલ્લેખ કરીને ડૉ. એસવાય કુરેશીએ કહ્યું કે નવીન પટનાયકની આંખોની સામે ચૂંટણીપંચની ટીમે હેલિકોપ્ટર ચેક કર્યું. પટનાયકે તેના વિરુદ્ધ કોઈપણ પ્રતિક્રિયા આપવાને બદલે આ વાતનું સન્માન કર્યું. તેઓ ખરા અર્થમાં રાજનેતા છે અને આપણને આવા જ રાજનેતાઓની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તલાશી લેવાના મામલે ચૂંટણીપંચે કર્ણાટક કેડરના આઇએએસ ઓફિસર મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. આ મામલે પીએમઓએ દરમિયાનગીરી કરી હતી અને ચૂંટણીપંચના અધિકાર આ મામલાની તપાસ કરવા માટે ઓડિશા પણ ગયા હતા. પીએમઓના હસ્તક્ષેપ પછી તેમને ડ્યૂટીમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા.

ચૂંટણીપંચની આ કાર્યવાહી પછી પંચ અને વડાપ્રધાનની ચોમેર ટીકા શરૂ થઈ ગઈ હતી. હવે આ ટીકા કરનારાઓની લિસ્ટમાં પૂર્વ ઇલેક્શન કમિશ્નર ડૉ. એસવાય કુરેશી પણ સામેલ થઈ ગયા છે.