નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર. એમ. લોઢા સાથે હેકર્સે એક લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. બદમાશોએ જસ્ટિસ લોઢાના મિત્ર રિટાયર્ડ જસ્ટિસ બી. પી. સિંહના ઈમેલ આઈડીને હેક કરીને તેમને મેસેજ મોકલીને મેડિકલ ઈમરજન્સીના નામ પર મદદ માંગી હતી. જસ્ટિસ લોઢાએ પોલીસને ફરિયાદમાં કહ્યુ હતુ કે તે ઈમેલ આઈડી દ્વારા તેમનો પોતાના મિત્ર સાથે સતત સંવાદ થતો હતો. તેવામાં તેમણે તેમા આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં બે વખતમાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
બાદમાં ઉજાગર થયું કે તે ખાતા હેકર્સના કબજામાં હતા. આ ઘટના એપ્રિલની છે. બાદમાં જ્યારે રિટાયર્ડ જસ્ટિસ સિંહે જણાવ્યું કે તેમનું આઈડી હેક થયું હતું, તો આખો મામલો ઉજાગર થયો હતો. માલવીય નગર પોલીસ તપાસ કરી રહી છે.
મહત્વપૂર્ણ છે કે 69 વર્ષના જસ્ટિસ લોઢા ભારતના 41મા મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે. તેમની ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નિમણૂક કરી હતી. આના પહેલા તેઓ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે રાજસ્થાન અને બોમ્બે હાઈકોર્ટમાં પણ ન્યાયાધીશ તરીકે કામ કર્યું છે.
જસ્ટિસ લોઢાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની કમિટીએ જ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત કરી હતી. બંને પર ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. જસ્ટિસ લોઢાનું પુરું નામ જસ્ટિસ રાજેન્દ્ર મલ લોઢા છે.