નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ લગભગ બે માસ બાદ પણ રાહુલ ગાંધીનો વિકલ્પ શોધી શકી નથી. તેને લઈને કોંગ્રેસ પાર્ટીની અંદર અસમંજસતાની સ્થિતિ ચાલુ છે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધી સતત સક્રિય છે. તેના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાની માગણી કરી હતી, તો પ્રિયંકા ગાંધીએ ખુદ પણ એક ટ્વિટ કરીને પોતાના રાજનીતિમાં હોવાની વાત જણાવી હતી. જેના કારણે કોંગ્રેસમાં કેટલોક ગણગણાટ જોવા મળી રહ્યો છે, તેના સંકેતોથી લાગે છે કે કદાચ પાર્ટીની કમાન હવે પ્રિયંકા ગાંધીના હાથમાં સોંપવામાં આવે તેવી શક્યતા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવામાં જોતરાયા
રાહુલ ગાંધીના સ્થાને કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે અશોક ગહલોતથી લઈને સુશીલકુમાર શિંદે, મલ્લિકાર્જૂન ખડગે, મુકુલ વાસનિક જેવા ઘણાં નામોને લઈને અટકળબાજી તેજ છે. પરંતુ પરિણામ જોવા મળ્યું નથી. તેવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે કોંગ્રેસના કેટલાક નેતાઓએ પ્રિયંકા ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માગણી કરી છે. તેના માટે નેતાઓએ પાર્ટીની અંદર અને બહાર ભૂમિકા તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાને લાગ્યું છે કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીનું સ્થાન લેવા માટે પ્રિયંકા ગાંધી સારો કોઈ વિકલ્પ નથી.જો કે રાહુલ ગાંધી ખુદ એ સ્પષ્ટ કરી ચુક્યા છે કે પાર્ટીના આગામી અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી નહીં હોય. તેમ છતાં આ માગણી એટલા માટે ઉઠી રહી છે, કારણ કે પ્રિયંકા ગાંધીના નેતૃત્વને લઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને ઘણી આશાઓ છે.
હાર બાદ પ્રિયંકા ગાંધીએ પદ છોડયું નથી
લોકસભાની ચૂંટણીની હારની જવાબદારી લેતા કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું. તેના પછી કોંગ્રેસના ઘણાં પ્રદેશ પ્રમુખો અને સંગઠનના ઘણાં પદાધિકારીઓએ પોતાના પદો પરથી રાજીનામા આપ્યા છે. એટલું જ નહીં, પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બનેલા અને પશ્ચિમ યુપીના પ્રભારી રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જ્યારે પ્રિયંકા ગાંધીના પ્રભારવાળા પૂર્વ યુપીમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. બાકીની બેઠકો પર પાર્ટીના નેતાઓની જમાનત પણ જપ્ત થઈ હતી. કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ પણ પ્રિયંકા ગાંધી અત્યાર સુધી પોતાના પદ પર યથાવત છે.
પ્રિયંકા ગાંધી સતત સક્રિય
લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના નેતા સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. જ્યારે પ્રિયંકા ગાંધી સતત સક્રિય છે. યુપીની હાર માટે સતત પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે તેઓ મંથન કરી રહ્યા છે. તેના સિવાય તેઓ પાર્ટીમાં ભીતરઘાત કરનારા નેતાઓની તલાશમાં પણ લાગી ગયા છે. થોડા દિવસોથી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશની યોગી સરકાર પર વેધક શાબ્દિક હુમલા પણ કરી રહ્યા છે. તેનાથી યુપીની 12 વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણીની સાથે 2022માં થનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તરીકે પણ જોવામાં આવે છે.
રાજનીતિમાં એન્ટ્રી પર ટ્વિટ-
પ્રિયંકા ગાંધીએ નેલ્સન મંડેલાની જયંતી પ્રસંગે એક જૂની તસવીર શેયર કરતા પોતાની રાજકીય એન્ટ્રીની વાત કહી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે કે મંડેલાએ કહ્યુ હતુ કે મારે રાજનીતિમાં હોવું જોઈએ. દુનિયાને નેલ્સન મંડેલા જેવા વ્યક્તિઓની અછત આજે પહેલા કરતા વધારે મહેસૂસ થાય છે. તેમનું જીવન સત્ય, પ્રેમ અને આઝાદીનું ઉદાહરણ છે. આ ટ્વિટ દ્વારા પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટપણે ક્હ્યું છે કે તેમની રાજકીય ક્ષમતાને નેલ્સન મંડેલા 2011માં જ ઓળખી ગયા હતા. તેના દ્વારા તેઓ મોટો રાજકીય સંદેશ પણ આપવા માંગે છે.
શું પુત્ર પણ ચાહે છે કે પ્રિયંકા ગાંધી બને કોંગ્રેસ અધ્યક્ષ?
પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રા પણ શું કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પોતાની મમ્મીને જોવા ચાહે છે. આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે, કારણ કે રેહાન વાડ્રાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક ન્યૂઝ સ્ટોરી શેયર કરી છે. તેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની વાત કહી રહ્યા છે. જ્યારે આના પહેલા રેહાન વાડ્રાએ આવા કોઈ સમાચાર શેયર કર્યા નથી. તેના કારણે રાજકીય વર્તુળોમાં પ્રિયંકા ગાંધીના અધ્યક્ષ બનવાને લઈને અટકળબાજી વધુ તેજ બની છે.