
- શૂટઆઉટ બાદ વિકાસ અને સાગરિતો થયાં હતા ફરાર
- સમગ્ર ઘટનામાં પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી
દિલ્હીઃ ઉત્તરપ્રદેશના કાનપુરના બિકુરમાં શૂટઆઉટમાં આઠ પોલીસ કર્મચારીઓ શહીદ થયાં હતા. આ ઘટનાના ઘેરા પગલા પડ્યાં હતા. તેમજ ભૂગર્ભમાં ઉતરી ગયેલા વિકાસ અને તેના સાગરિતોને ઝડપી લેવા માટે તપાસ આરંભી હતી. આ દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં વિકાસ દુબેના અંગત વિશ્વાસુ મનાતા અમર દુબે સહિત પાંચ સાગરિતોને ઠાર મરાયાં હતા. તેમજ વિકાસને ઝડપી લેવા કાનૂની કાળિયો કસ્યો હતો. દરમિયાન આજે વિકાસને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપી લેવામાં આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર 2 જુલાઈના રોજ કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની ધરપકડ માટે પોલીસની ટીમે બિકરુ ગામ ગઈ હતી. જ્યાં વિકાસ અને તેના સાગરિતોએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં આઠ પોલીસ કર્મચારીઓ શહીદ થયાં હતા. આ શૂટઆઉટ બાદ વિકાસ દુબે અને તેના સાગરિતો પલાયન થઈ ગયા હતા. જેથી પોલીસે તેમને ઝડપી લેવા માટે કવાયત વધારે તેજ કરી હતી.
દરમિયાન તા. 3 જુલાઈના રોજ સવારે પોલીસે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડે અને સાગરિત અતુબ દુબેને ઠાર મારવામાં આવ્યાં હતા. તા. 5મી જુલાઈના રોજ પોલીસે વિકાસના અન્ય સાગરિત દયાશંકર અગ્નિહોત્રીને ઘેરી લીધો હતો. જેમાં દયાશંકરે ગોળીબાર કરતા પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું હતું. જેમાં દયાશંકર ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.
પોલીસે અન્ય આરોપીઓના લોકેશન મેળવવાની શરૂઆત કરી હતી. દરમિયાન તા. 8મી જુલાઈના રોજ વિકાસના ખાસ વિશ્વાસુ મનાતા અમર દુબેને એસટીએફની ટીમે ઠાર માર્યો હતો. તેમજ પ્રબાત મિશ્રા સહિત 10 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની ટીમ તપાસ અર્થે પ્રભાત મિશ્રાને લઈ ગઈ હતી. ત્યારે પ્રભાતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે કરેલા ગોળીબારમાં તેનું મોત થયું હતું. આ ઉપરાંત વિકાસના અન્ય એક સાગરિતને પણ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
ઉત્તરપ્રદેશ સરકારે શૂટઆઉટની ઘટનાને ગંભીરતાથી લઈને ચૌબેપુર પોલીસ સ્ટેશનના પૂર્વ એસઓ સહિત સાતેક પોલીસ કર્મચારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કર્મચારીઓ સામે વિકાસ દુબેની માહિતી લીક કરવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સમગ્ર પ્રકરણમાં ફરીદાબાદથી અંકુર અને તેના પિતા શ્રવણ તથા મધ્યપ્રદેશમાં રાજુ ખુલ્લરની ધરપકડ કરી હતી.