Site icon hindi.revoi.in

રાજકોટ: ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 5 દર્દીઓના મોત

Social Share

રાજકોટ: ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ લાગવાની ધટના બની છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આઈસીયુ વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 5 દર્દી આગમાં ભડથુ થઇ ગયા હતા. બનાવને પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા.

આગના સમયે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ હતા. બનાવની જાણ થતા ફાયર ફાઈટરનો કાફલો ધટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ફાઈટરની ટીમે દર્દીઓને બહાર કાઢવા માટે હોસ્પિટલની બારીના કાચ તોડી નાખ્યા હતા. આ સાથે જ DCP અને ACP કક્ષાના અધિકારી તેમજ માલવીયા નગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

જો કે, આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને સપ્ટેમ્બર મહિનાથી મંજૂરી આપવામાં આવી હતી. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.તેમજ દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

મુખ્યમંત્રીએ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી છે.

_Devanshi

Exit mobile version