- નાગપાડાના મોલમાં ભભૂકી આગ
- આશરે 3500 લોકોને બહાર કઢાયા
- આગ પર કાબૂ લેવાના પ્રયાસો શરૂ
મુંબઇના નાગપાડા વિસ્તારમાં સ્થિત એક મોલમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગની તીવ્રતાને ધ્યાનમાં લેતા તેને લેવલ -5 આગ ઘોષિત કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં બે ફાયર ફાઇટરને ગંભીર ઇજાઓ પહોચી હતી. તો સાથે જ મોલની પાસે સ્થિત 55 માળની બિલ્ડિંગમાંથી આશરે 3500 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં, આગ પર કાબૂ લેવાના પ્રયાસો શરૂ છે.
એક અધિકારીએ કહ્યું હતું કે, મુંબઈના સિટી સેન્ટર મોલમાં રાત્રે લગભગ 8:53 વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળ પર ઓછામાં ઓછા 24 ફાયર એન્જિન, 16 જમ્બો ટેન્કર અને 250 ફાયર ફાઇટર આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે.
પોલીસની મદદથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
નાગપાડામાં સિટી સેન્ટર મોલની પાસે સ્થિત આર્કિડ એન્ક્લેવ બિલ્ડિંગ છે. પોલીસની મદદથી આ બિલ્ડીંગમાં ફસાયેલા લગભગ 3500 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ગુરુવારે રાત્રે 8:53 વાગ્યાની આસપાસ લાગી આગ
મોલમાં ગુરુવારે રાત્રે 8:53 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તે સમયે તેને લેવલ -1 ફાયર તરીકે જાહેર કરવામાં આવી હતી. જો કે,ધીરે ધીરે આગએ વિકરાળ સ્વરૂપ લેવાનું શરૂ કર્યું હતું. આગની તીવ્રતા લેવલ -3 થઈને લેવલ -5 સુધી પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા શુક્રવારે રાત્રે 2:41 વાગ્યે વધુ ફાયર એન્જિનો અને કર્મચારીઓને બોલાવવા પડ્યા હતા.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની આશંકા
રિપોર્ટ મુજબ,મોલના સેકન્ડ ફ્લોર પર આવેલી એક મોબાઇલ શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારબાદ તે બધા ફ્લોર પર ફેલાઇ ગઈ. જોકે, આગના કારણોની હજુ તપાસ કરવામાં આવશે.
_Devanshi