Site icon hindi.revoi.in

કેળવણી-11: આપણને મળેલી અણમોલ ભેટ ક્યા ખાસ કામ માટેની છે તે રહસ્યને જાણો

Social Share

 – ડૉ. અતુલ ઉનાગર

એક ખૂબજ અગત્યના સિદ્ધાંતને બરાબર સમજી લેવાની જરૂરી છે. કુદરત દરેક વ્યક્તિને અલગ-અલગ ભેટનો એક ‘સમૂહ’ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો કુદરતે આપણને બધાને એક ખાસ ‘પેકેજ’ આપ્યું છે. આ પ્રાપ્ત પેકેજમાં અમુક ચોક્કસ પ્રકારના જ વિચારો, અમુક ચોક્કસ નક્કી ગુણો, અમુક પ્રકારની જ‌ આવડતો, અમુક ચોક્કસ પ્રકારની જ શક્તિઓ અને અમુક જ કૌશલ્યોનો સમૂહ વગરે બાબતોનો વત્તાઓછા પ્રમાણમાં આપણને અલગ અલગ પ્રાપ્ત છે.

આથીજ તો તમામ પ્રકારના સદ્ગુણો બધામાં જોવા નથી મળતા. તેવીજ રીતે એક વ્યક્તિમાં તમામ કૌશલ્યો કે શક્તિઓ પણ હોતી નથી. ટૂંકમાં સારી ગણાતી બધીજ શક્તિઓનો ભંડાર કોઈ એક વ્યક્તિમાં નથી હોતો. પ્રભુએ યોજના પૂર્વક દરેક વ્યક્તિમાં એવી ભિન્ન-ભિન્ન વિષમતાઓ રાખી હોય છે કે જેના કારણે દરેક વ્યક્તિ એક બીજાથી અનન્ય છે. આથીજ આપણને કોઈ વ્યક્તિ શાંત, તો કોઈ વ્યક્તિ પ્રેમાળ, તો કોઈ વ્યક્તિ આક્રમક પ્રતીત થાય છે. વ્યક્તિ – વ્યક્તિમાં એટલી બધી ન્યૂનાધિક્તા હોય છે કે એક યોદ્ધા પણ બીજા યોદ્ધો જેવો હોતો નથી. દુનિયામાં કરોડો યોદ્ધાઓ હોય છે તે દરેક એક બીજાથી કોઈકને કોઈક રીતે તો જુદા જુદા હોય છે.

જેવી રીતે શક્તિઓનો સમૂહ વ્યક્તિઓમાં ન્યૂનાધિક હોય છે, તેવી જ રીતે મર્યાદાઓનો સમૂહ પણ વત્તાઓછા પ્રમાણમાં હોય જ છે. જેમ કે અમુક વ્યક્તિઓ વધારે સમય બેસી ના શકે, તો અમુક વ્યક્તિઓ વધુ સમય ઊભા ના રહી શકે, તો અમુક વ્યક્તિઓ વહેલાં જાગી ના શકે, તો અમૂક વ્યક્તિઓ અમુક બાબત સમજાવી કે વર્ણવી ના શકે, તો અમુકને અમુક ભાષા ના આવડે, તો અમુકને શરીર સાથ ના આપે, તો અમુકોને પારિવારિક પરિસ્થિતિઓ નડતરરૂપ બને, તો અમુક વધારે પરિશ્રમ ના કરી શકે વગેરે અનેકવિધ મર્યાદાઓ અલગ-અલગ વ્યક્તિની હોય છે.

એક વ્યક્તિની મર્યાદા એ બીજી વ્યક્તિની મર્યાદા હોય, અને ના પણ હોય. કોઈ અમુક વ્યક્તિ એક જ કામ લાંબો સમય ના કરી શકે, તો તે કામ કોઈ અન્ય કરી પણ શકે. આમ મર્યાદાઓ પણ એક-બીજાથી ભિન્ન ભિન્ન હોય છે. દરેક વ્યક્તિમાં મર્યાદાઓ પણ ઓછાવત્તા પ્રમાણમાં હોય જ છે.
શક્તિઓ અને મર્યાદાઓનો અમુક ચોક્કસ જ સમૂહ આપણને ભેટમાં મળ્યો છે. આ સૃષ્ટિના દરેક માણસ પાસે આ ચોક્કસ પેકેજને કારણે શક્તિઓ અને મર્યાદાઓ ઓછોવત્તા પ્રમાણમાં હોય જ છે. ઉપર્યુક્ત મૂળભૂત બાબતને લઈને આપણી આજુબાજુ નજર કરી જૂઓ, વર્તમાન અને ઐતિહાસિક ઘટનાઓને દ્રષ્ટિ સમક્ષ રાખીને કુદરતની આ અણમોલ ભેટથી અવગત થઈને તેનો સાક્ષાત્કાર કરો. પ્રકૃતિના આ સત્યને બરાબર સમજી લીધા પછી જ આગળ વાંચો.

આ શાશ્વત સિદ્ધાંત પ્રમાણે મને અને તમને પણ એક ચોક્કસ પેકેજ (સમૂહ) પ્રાપ્ત થયું છે. સૌ પ્રથમ એ તપાસવું જોઈએ કે મને પ્રાપ્ત થયેલી શક્તિઓ કઈ છે. આ માટે એક પોતાના સામર્થ્યની યાદી તૈયાર કરો. વધુ સ્પષ્ટતા માટે અહીં આપેલી નમૂનારૂપ યાદીનો અભ્યાસ કરો.
જેમકે…
• હું એક સારો વક્તા છું.
• મારાં અનેક સંપર્ક સ્થાનો છે.
• કુટુંબની મારી પાસે આર્થિક અપેક્ષા નથી.
• હું અનેક ભાષા જાણું છું.
• મને ખૂબ સારી રસોઈ બનાવતાં આવડે છે.
• હું શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત છું.
• મારી જરૂરિયાતો ખૂબ જ સિમિત છે.
• બાળકોને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરી શકું છું.
• મને સારાં ગીતો ગાતાં આવડે છે.
• હું કોઈ પણ અભિનય કરી શકું છું.

ઉપર્યુક્ત ઉદાહરણ પ્રમાણે આપ પણ આપના સામર્થ્યની નોંધ તૈયાર કરો.
જેવી રીતે આપે આપના સામર્થ્યની યાદી તૈયાર કરી તેવીજ રીતે આપ આપની મર્યાદાઓની પણ યાદી તૈયાર કરો. નમૂનારૂપ મર્યાદાઓની નોંધ નીચે મુજબ છે.
જેમકે…
• હું વધારે યાત્રા (ટ્રાવેલિંગ) કરી શક્તો નથી.
• હું આર્થિક યોગદાન ઊઘરાવી શક્તો નથી.
• મને અમુક પ્રકારનું જ ભોજન પચે છે.
• મારાથી વધારે પડતો તડકો સહન થતો નથી.
• વધારે વખત શારીરિક પરિશ્રમ કરી શક્તો નથી.
• અંધારામાં ડ્રાઈવીંગ કરી શક્તો નથી.
• વર્ણનાત્મક લખાણ લખી શક્તો નથી.
• રાત્રે ઉજાગરા કરી શક્તો નથી.
• અમુક કૌશલ્ય આવડતું નથી.
• અમુક ભાષા જાણતો નથી.

ઉપર્યુક્ત ઉદાહરણનો આધાર લઈને આપને લાગુ પડતી હોય તેવી આપ પણ આપની મર્યાદાઓની નોંધ તૈયાર કરો.
દુનિયામાં વિવિધ પ્રકારનાં અનેક કાર્યો હોય છે. જે એક-બીજાથી ભિન્ન હોય છે. આ વિવિધ કાર્યો માટે અલગ-અલગ પ્રકારની કિંમત ચૂકવવી પડતી હોય છે. જેવું કાર્ય તેવી કુરબાની, ઐતિહાસિક મહાપુરુષોનાં જીવનકાર્યો સાથે આ સત્યને બરાબર તપાસી લેવું અને સમજી લેવું જોઈએ. આ જ્ઞાન હોવું અનિવાર્ય છે કેમકે તો જ ખબર પડશે કે કેવા કામ માટે કેવું સામર્થ્ય (પેકેજ) અનિવાર્ય હોય છે.

આ સિદ્ધાંતને સમજ્યા પછી આપને મહત્વપૂર્ણ જણાતાં કાર્યોની એક વિસ્તૃત યાદી બનાવો. આ તૈયાર થયેલ યાદીના દરેક કાર્યની અલગ-અલગ સમીક્ષા કરો. ક્રમશઃ દરેક કાર્યમાં એ ખાસ તપાસો કે પ્રત્યેક કામને પરિણામ સુધી પહોંચાડવા માટે કેવા કેવા પ્રકારનું સામર્થ્ય હોવું જોઈએ. આપ એ બાબતથી વાકેફ થઈ ગયા હશો કે અમુક કામ માટે અમુક ચોક્કસ પ્રકારનું સામર્થ્ય હોવું જોઈએ. આ પ્રક્રિયા કર્યા પછી આપની પાસે જે શક્તિઓ અને મર્યાદાઓ છે તેને ધ્યાનમાં રાખીને આપને જે ‘પેકેજ’ મળ્યું છે તેને લગતું ક્યું કામ છે તે તપાસવું. જો આપ આ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી અવગત થઈ જશો તો પહેલાં નિદાન અને પછી તેને અનુરૂપ સારવાર આ સિદ્ધાંત પ્રમાણે યોગ્ય દિશામાં પ્રયત્નો થકી નિશ્ચિત કામને અંજામ સુધી પહોંચાડી શકશો. આ દુનિયાના સફળ વ્યક્તિઓએ આચરેલો માર્ગ છે.

Exit mobile version