Site icon hindi.revoi.in

રાજકુમાર હિરાણી પર 45 કરોડની બિનજાહેર સંપત્તિનો આરોપ, કચરામાં મળ્યા દસ્તાવેજો

Social Share

બોલિવુડના પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાણી પર બિનજાહેર સંપત્તિ છુપાવવાનો આરોપ છે. પીકે, થ્રી ઇડિયટ્સ અને સંજૂ જેવી સુપરહિટ ફિલ્મો બનાવનારા રાજકુમાર હિરાણીની આ સંપત્તિનો ખુલાસો પણ એકદમ ફિલ્મી અંદાજમાં થયો છે. હિરાણીની ઓફિસમાં કચરાની જેમ પડેલા એક કાગળમાંથી મહત્વની જાણકારીઓ સામે આવી છે.

એક હિંદી મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ જ્યારે સર્વે માટે હિરાણીની ઓફિસ પહોંચ્યા તો તેમને એક બેકાર પડી રહેલો કાગળ દેખાયો જેને તેમણે કોઈની નજર ન પડે તેમ ઉઠાવી લીધો. જ્યારે પછીથી એ કાગળને જોવામાં આવ્યો તો તેમાં નેટફ્લિક્સ અને સંજૂ ફિલ્મને લઇને એક્ઝિબિશન રાઇટ્સની 45 કરોડની રકમનો ઉલ્લેખ હતો. ત્યારબાદ જ્યારે અધિકારીઓએ હિરાણીની ઇન્કમ ટેક્સ રિટર્ન સાથે સંકળાયેલી જાણકારીઓને તેની સાથે ક્રોસ ચેક કરી તો તેમને ક્યાંય પણ તેની જાણકારી મળી નહીં. અધિકારીઓને સમજાઈ ગયું કે હિરાણીએ ડિપાર્ટમેન્ટને આ સંપત્તિની જાણકારી આપી નથી. ત્યારબાદ ઇન્કમ ટેક્સ વિભાગે તેમનો તપાસ રિપોર્ટ સીબીડીટીને મોકલી દીધો.

આ ઉપરાંત એક્ટર ટાઇગર શ્રોફની પણ બિનજાહેર સંપત્તિ વિશે જાણ થઈ છે. ટાઇગરે બાગી ફિલ્મ માટે મળેલી 10 કરોડની રકમની જાણકારીઓ છુપાવી છે. જ્યારે ‘સ્ત્રી’ ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિઝનની પણ બિનજાહેર સંપત્તિ વિશે જાણ થઈ છે. પ્રોડક્શન કંપની દ્વારા ચેક કેશ કરાવવા દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગને આ વાતની જાણ થઈ. હવે સીબીડીટી પાસેથી ઓર્ડર મળ્યા પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલીને આ હસ્તીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાથી મુંબઈમાં બોલિવુડ હસ્તીઓના ઓફિસ અને ઘરો પર દરોડા પાડી રહ્યું છે. આ જ ઉપક્રમે સીબીડીટીને તપાસ રિપોર્ટ્સ પણ મોકલવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર એ. અભયશંકરે જણાવ્યું કે, ‘અત્યાર સુધી 650 સર્વે કરવામાં આવ્યા છે. અમને બોલિવુડ હસ્તીઓ દ્વારા 1500 કરોડ રૂપિયાની બિનજાહેર સંપત્તિની જાણ થઈ છે.’

Exit mobile version