- 32 કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપશે ફેસબુક
- માર્ચમાં 10 કરોડ ડોલરના ગ્રાન્ટની કરાઈ હતી જાહેરાત
- ગ્રાન્ટમાં રોકડ અને જાહેરાત ક્રેડીટ બંને શામેલ
મુંબઈ: સોશિયલ મીડિયા કંપની ફેસબુક 3,000થી વધુ નાના ઉદ્યોગ એકમોને 32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપશે. આ ગ્રાન્ટ દિલ્હી અને મુંબઇ સહિત પાંચ શહેરોના નાના અને મધ્યમ ઉદ્યોગ એકમોને આપવામાં આવશે. તેનો હેતુ કોવિડ -19 કટોકટીની વચ્ચે નાના ઉદ્યોગોના કારોબારને આગળ વધારવામાં મદદ કરવાનું છે.
ફેસબુકએ 30 દેશોમાં નાની કંપનીઓને કોરોના વાયરસ મહામારીના આર્થિક પ્રભાવનો સામનો કરવા મદદ માટે માર્ચ મહિનામાં 10 કરોડ ડોલરના ગ્રાન્ટની જાહેરાત કરી હતી, જે તેનો એક ભાગ છે.
આ શહેરોના વેપારીઓને મળશે મદદ
ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ અજિત મોહને તેમના બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે, ‘નાના ઉદ્યોગ એક્મો માટે માર્ચમાં જાહેર કરવામાં આવેલી 10 કરોડ ડોલરની ગ્રાન્ટમાંથી 32 કરોડ રૂપિયા દિલ્હી, ગુડગાંવ, મુંબઇ, હૈદરાબાદ અને બેંગાલુરુમાં કામ કરતા 3,000 થી વધુ નાના ઉદ્યોગ એકમોને આપવાની ઘોષણા કરીએ છીએ. આ શહેરોમાં ફેસબુકની ઓફિસો છે
તેમણે કહ્યું કે ગ્રાન્ટમાં રોકડ અને જાહેરાત ક્રેડીટ બંને શામેલ છે. આમાં રોકડ રકમ વધુ છે. મોહને કહ્યું કે ગ્રાન્ટ કાર્યક્રમ દરેક ઉદ્યોગ અને વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓ માટે ખુલ્લો છે. આ માટે કંપનીઓને ફેસબુક પરિવાર દ્વારા કનેક્ટ થવાની જરૂર નથી. ઉપરાંત તેઓ ગ્રાન્ટના પૈસાથી જે ઇચ્છે તે કરવા માટે સ્વતંત્ર છે
તેમણે આગળ કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 5.7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કંપનીએ આ ભાગીદારીની સાથે ભારત ખાસ કરીને નાના ઉધોગ એકમો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
મોહને વધુમાં કહ્યું કે નાના ઉદ્યોગો ફેસબુક માટે ખૂબ મહત્વના છે, વૈશ્વિક સ્તરે 18 કરોડ નાની કંપનીઓ ફેસબુક ફેમિલી એપ્લિકેશનનો ઉપયોગ કરીને સંભવિત ગ્રાહકો સુધી પહોંચે છે અને તેમનો વ્યવસાય વિસ્તૃત કરી રહી છે. અમે આશા રાખીએ છીએ કે આપણી ગ્રાન્ટ અને નાના વેપારીઓને પાટા પર પાછા લાવવા માટે જે અમે અન્ય ઉપાય કરી રહ્યા છીએ. તેનાથી તેને કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદ મળશે.
_Devanshi