Site icon Revoi.in

મહારાષ્ટ્રના વિપક્ષના નેતા રહેલા રાધાકૃષ્ણ વિખે પાટિલે હવા ધારાસભ્ય પદ છોડયું, ભાજપમાં સામેલ થવાની અટકળો

Social Share

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર હરિભાઉ બાગડેને રાજીનામું આપ્યું છે. તેઓ નજીકના ભવિષ્યમાં ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. કેટલાક દિવસ પહેલા ચિકિત્સા શિક્ષણ પ્રધાન ગિરીશ મહાજને આની પુષ્ટિ કરી હતી. ચર્ચા છે કે પાટિલને જૂનમાં થનારા દેવેન્દ્ર ફડણવિસના કેબિનેટ વિસ્તરણમાં પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.

લોકસભા ચૂંટણી દરમિયાન પાટિલે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું હતું. તેના પછી ભાજપના નેતા મહાજને કહ્યુ હતુ કે પાટિલ બિનશરતી રીતે ભાજપમાં સામેલ થઈ રહ્યા છે.

કોંગ્રેસના બરતરફ કરાયેલા ધારાસભ્ય અબ્દુલ સત્તારે કહ્યુ છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું નેતૃત્વ પાર્ટીને બરબાદ કરી રહ્યું છે. હાલ આઠથી દશ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. સત્તાર ઔરંગાબાદની સિલોદ બેઠક પરથી ધારાસભ્ય છે. આ વર્ષે એપ્રિલમાં તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં હાંકી કાઢવામાં આવ્યા હતા.

પાટિલના પુત્ર સુજય વિખે પાટિલ અહમદનગરથી ભાજપની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. જીત બાદ રાધાકૃષ્ણ વિખે પાટિલે કહ્યુ હતુ કે મે ખુલ્લેઆમ પુત્ર સુજયનો પ્રચાર કર્યો. માટે કોંગ્રેસે મારી વિરુદ્ધ કાર્યવાહી કરી. પુત્રને કોંગ્રેસે ટિકિટ નહીં આપીને અન્યાય કર્યો હતો. આનાથી કોંગ્રેસની નીતિની જાણકારી મળે છે.