Site icon hindi.revoi.in

જુઓ VIRAL VIDEO: કોલકાતા એરપોર્ટ પર મધમાખીઓએ પ્લેન પર કર્યો હુમલો

Social Share

કોલકાતા: ઘણી વાર પ્લેનમાં બર્ડ હિટની ઘટના બનતી હોય છે જેને કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડે છે અથવા ફ્લાઇટના ડિપાર્ચરમાં વિલંબ થતો હોય છે પરંતુ પશ્વિમ બંગાળના પાટનગર કોલકાતાના એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે. એક ચોંકાવનારી ઘટનામાં મધમાખીઓના ટોળાએ એર વિસ્ટારાના પ્લેનની બારી પર હુમલો કરી દીધો. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કોલકાતા એરપોર્ટ પર આ ઘટના બન્યા બાદ ફાયરબ્રિગેડ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને વોટરકેનનનો મારો ચલાવીને મધમાખીઓને પ્લેનથી હટાવી હતી. મધમાખીઓ ફરીથી આ પ્રકારનો હુમલો ના કરી શકે તે માટે જંતુનાશકનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો.

જુઓ VIRAL VIDEO:

શિયાળાની ઋતુ દરમિયાન આ પ્રકારની સમસ્યાઓનું સર્જન થતું હોય છે જેમાં લાંબા સમયથી પાર્ક કરેલા પ્લેન પર મધમાખીઓનું ઝુંડ જઇને બેસી જાય છે. ક્યારેક તો એરક્રાફ્ટની અંદર પણ મધમાખીઓ ઘૂસી જતી હોય છે. એરપોર્ટ પાસે કેટલાક જૂના હેંગર છે જેનો ઉપયોગ એરક્રાફન્ટના રિપેરિંગ અને દેખભાળ માટે કરવામાં આવે છે. ત્યાં એરક્રાફ્ટ પર મધપૂડા જોવા મળતા હોય છે. એરપોર્ટ પર આટલી મોટી સંખ્યામાં મધમાખીઓ આવવાના કારણ વિશે તપાસ થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો એરલાઇનના એક અધિકારી દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેઓ તે સમયે ત્યાં હાજર હતા. તેમણે વીડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું છે કે, ફ્લાઇટ મોડી પડવાના કારણોમાં સામાન્યપણે ખરાબ હવામાન, ટેકનીકલ ફોલ્ટ જવાબદાર હોય છે. આજે નવું કારણ ઉમેરાયું છે. મધમાખીઓનો કોલકાતા એરપોર્ટ પરથી ફૂટેજ. વોટરકેનનની મદદથી તેમને દૂર કરવામાં આવી.

અગાઉ પણ કોલકાતા એરપોર્ટ પર આવી જ ઘટના બની હતી જેમાં કોલકાતાથી અગરતાલા જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ પર મધમાખીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલાને કારણે ફ્લાઇટ બે કલાક મોડી પડી હતી.

(સંકેત)

Exit mobile version