Site icon Revoi.in

ચૂંટણી પૂરી થતાં જ રોબર્ટ વાડ્રા મુશ્કેલીમાં, જામીન રદ કરાવવા માટે ED પહોંચી દિલ્હી હાઇકોર્ટ

Social Share

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારે પહેલા જ ગાંધી પરિવારને ઝાટકો આપી દીધો છે, ત્યારે બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રોબર્ટ વાડ્રા પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સ પ્રમાણે, EDએ મની લોન્ડ્રિંગ મામલે રોબર્ટ વાડ્રાના જામીન રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક ટ્રાયલ કોર્ટે તાજેતરમાં જ તેમને આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

આ પહેલા રોબર્ટ વાડ્રા વિદેશયાત્રાની પરવાનગી માટે મંગળવારે દિલ્હીની એક કોર્ટમાં પહોંચ્યા હતા. રોબર્ટના વકીલે સ્પેશિયલ જજ અરવિંદ કુમારને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી કે તેમની મુસાફરીનો કાર્યક્રમ કોઈ ત્રીજા પક્ષને શેર કરવામાં ન આવે કારણકે આ તેમની સુરક્ષાનો મામલો છે. વકીલે એ પણ વિનંતી કરી કે તેમની અરજી 24મેના રોજ સુનાવણી માટે લેવામાં આવે કારણકે પ્રમુખ વકીલો આજે દલીલો માટે ઉપલબ્ધ નથી.

આ પહેલા રોબર્ટને ગયા એક એપ્રિલના રોજ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તેઓ અહીંયાની તે કોર્ટની પરવાનગી લીધા વગર દેશ છોડીને ન જાય જેણે તેમના પર અને શરતો લાગુ કરીને તેમને આગોતરા જામીન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે રોબર્ટ વાડ્રા લંડનના 12, બ્રાયંસ્ટન સ્ક્વેરમાં 19 લાખ પાઉન્ડ કિંમતની સંપત્તિની ખરીદીને લઇને મની લોન્ડ્રિંગના આરોપોનો સામનો કરી રહ્યા છે.