મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ એટલે કે ચમકી તાવને કારણે અત્યાર સુધીમાં 108 બાળકોએ જીવ ગુમાવ્યા છે. ગત એક સપ્તાહના હાહાકાર બાદ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર હવે હોસ્પિટલમાં બાળકોના ખબરઅંતર જાણવા માટે પહોંચ્યા છે.
નીતિશ કુમારના હોસ્પિટલમાં પહોંચવાની સાથે તેમનો આકરો વિરોધ થયો હતો અને બહાર ઉભેલા લોકોએ નીતિશ ગો બેકના સૂત્ર પણ પોકાર્યા હતા.
સરકાર એક્શનના દાવા કરી રહી છે, તો હજીપણ હોસ્પિટલોમાં ભરતી બાળકોની સંખ્યા વધીને 414ની થઈ ચુકી છે. ચમકી તાવથી પીડિત મોટાભાગના દર્દીઓ મુઝફ્ફરપુરની સરકારી શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને કેજરીવાલ હોસ્પિટલમાં એડમિટ છે.
અત્યાર સુધીમાં એસકેએમસીએચ હોસ્પિટલમાં 89 અને કેજરીવાલ હોસ્પિટલમાં 19 બાળકોના મોત થઈ ચુક્યા છે. તો ચમકી તાવ પર મચેલા રાજકીય હંગામા વચ્ચે નીતિશ કુમાર મંગળવારે મુઝફ્ફરપુરની એસકેએમસીએચ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન અને બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે વિરુદ્ધ બીમારી પહેલા એક્શન નહીં લેવાના આરોપમાં કેસ નોંધાઈ ચુક્યો છે. બાળકોના મોત પર માનવાધિકાર પંચે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ મોકલી છે. માનવાધિકાર પંચે ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
ચમકી તાવથી બિહારના 12 જિલ્લાઓ અસરગ્રસ્ત છે. સોમવારે નીતિશ કુમારે ચમકી તાવને લઈને એક ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવી હતી.