અસ્થાયી રીતે બંધ થઈ ગયેલી જેટ એરવેઝ એરલાઇન્સના હજારો કર્મચારીઓએ બુધવારે મુંબઈના ટર્મિનલ 2 (T2) પર પ્રદર્શન કર્યું. કર્મચારીઓનું કહેવું છે કે તેમને છેલ્લા 2 મહિનાથી પગાર નથી મળ્યો. આ ઉપરાંત, કંપનીએ મેડિક્લેમની સુવિધા પણ બંધ કરી દીધી છે. બીજી એરલાઇન્સ પણ પ્રવર્તમાન પગાર કરતા ઓછો પગાર ઓફર કરી રહી છે અને પગાર વગર રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવી ઘણું મુશ્કેલ બની રહ્યું છે.
જેટ એરવેઝના કર્મચારીઓએ બુધવારે T2 ટર્મિનલ પર ભેગા થઈને ‘જેટ એરવેઝ બચાઓ, હમારા ભવિષ્ય બચાઓ’ના નારા લગાવ્યા. કર્મચારીઓનું કહેવું છે કે પ્રોવિડન્ડ ફંડ અને ગ્રેજ્યુઇટીના પૈસાને ળઈને પણ તેઓ ચિંતામાં છે. કંપનીએ તેમની મેડિક્લેમની સુવિધા બંધ કરી દીધી છે. આ પ્રસંગે ભેગા થયેલા કર્મચારીઓએ ગત દિવસોમાં સુસાઇડ કરનારા કર્મચારીને શ્રદ્ધાંજલિ આપી.
કર્મચારીઓએ કહ્યું કે હવે અમારો મેનેજમેન્ટ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. તેમણે બેંક, સરકાર અને મેનેજમેન્ટ પાસે જેટના ઓપરેશન્સ માટે મૂડી આપવાની માંગ કરી છે. કર્મચારીઓએ સવાલ કર્યો કે જેટ એરવેઝના પાર્કિંગ સ્લોટ અને વિમાન બીજી કંપનીઓને આપવામાં આવ્યા? પ્રદર્શન કરનારાઓએ કહ્યું કે અમારા માટે પરિવારના રોજબરોજના ખર્ચામાં મુશ્કેલીઓ આવી રહી છે. બીજી કંપનીઓ ઓછા પગારે જૂનિયર કર્મચારીઓને નોકરી આપી રહી છે.