નવી દિલ્હી: કેટલાક લોકો ભલે મોદી સરકારને લઘુમતી ખાસ કરીને મુસ્લિમ સમુદાય વિરોધી ગણાવતા હોય, પરંતુ શિક્ષણ, સમાજ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરી રહેલા 19 પ્રબુદ્ધ મુસ્લિમ લોકોના સમૂહે મોદીને પત્ર લખીને તેમના લઘુમતીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણના વખાણ કર્યા છે. તેની સાથે જ માહ-એ-રમઝાનમાં સરકારના નવા કાર્યકાળની સફળતાની કામના પણ કરી છે.
ખાસ વાત એ છે કે આ સમૂહનું નેતૃત્વ કરનારા કમાલ ફારુખી મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સદસ્ય છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ મોદી સરકારના ટ્રિપલ તલાક પર રોકના નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. આ પ્રકારના સમૂહમાં જમીયત ઉલેમાએ હિંદના મહાસચિવ મહમૂદ મદની, દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ડૉ. ઝફરુલ ઈસ્લામ ખાન, પ્રોગ્રેસિવ મુસ્લિમ સોશયલ સર્કલ જયપુરના અધ્યક્ષ અને ભૂતપૂર્વ આઈએએસ એ. આર. ખાન, હજ કમિટી ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને અંજુમ ઈસ્લામ મુંબઈના સીઈઓ શબી અહમદ, આઈઆઈટીયન અને મઉની મોર્ડન પબ્લિક સ્કૂલના અધ્યક્ષ શાહીદ અનવર, શિક્ષણવિદ્દ તથા લેખક કલીમુલ હાફીઝ સહીતના કુલ 19 લોકો સામેલ છે.
આ પત્ર 26 મેના રોજ સેન્ટ્રલ હોલમાં એનડીએના બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો ઉલ્લેખ છે. જેમાં પીએમ મોદીએ વોટબેંકને ખાતર રાજકીય પક્ષો દ્વારા દેશના લઘુમતીઓ સાથે છેતરપિંડી કરીને તેમને ભ્રમિત અને ભયભીત રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેની સાથે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા મોદીએ તમામ ચૂંટાયેલા સાંસદોને લઘુમતીઓનો વિશ્વાસ જીતવા પર જોર મૂક્યું છે. પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્ય, કૌશલ વિકાસ અને લઘુમતીઓ પર હુમલો કરનારાઓને સજા અપાવવાની માગણી કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી 2019માં એકલા ભાજપે 542 બેઠકોમાંથી 303 બેઠકો પ્રાપ્ત કરી છે. જ્યારે સહયોગી દળોની સાથે મળીને એનડીએએ 352 બેઠકો પર શાનદાર જીત પ્રાપ્ત કરી છે. મોદી 2019ની લોકસભા ચૂંટણીમાં 2014થી પણ વધુ મજબૂત સ્થિતિમાં છે. આ ચૂંટણીમાં ભાજપને 37.4 ટકા વોટ પ્રાપ્ત થયા છે. ભાજપને મળેલા વોટ 2014માં પાર્ટીને મળેલા વોટ કરતા વધારે છે.
કેટલાક ચૂંટણી પંડિતો ગાઈ વગાડીને અનુમાન કરતા હતા કે ભારતીય મુસ્લિમો વડાપ્રધાન મોદીના પક્ષમાં મતદાન નહીં કરે. ભાજપની જીતમાં લઘુમતીઓની ભાગીદારી રહી છે. આનાથી ઈન્કાર કરી શકાય તેમ નથી. કોઈપણ લોકશાહીની ખાસ ચીજ હોય છે, અદ્રશ્ય વોટ હોય છે. આ અદ્રશ્ય વોટ કોઈ કારણોથી ખુદને પ્રદર્શિત કરતા નથી. આ વાત ભારતીય મુસ્લિમો પર પણ લાગુ થાય છે.
જણાવવામાં આવે છે કે મુસ્લિમ રાજકારણના કેન્દ્રમાં રહેલા ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, કેરળ અને મહારાષ્ટ્રમાં આ ફેક્ટર એક પ્રકારે સમાપ્ત થાય છે. આ વાત પણ સત્યની નજીક છે કે મુસ્લિમોએ પણ મોદીના નેતૃત્વવાળા એનડીએને 2019ની લોકસભાની ચૂંટણીમાં વોટ કર્યા છે.