1. Home
  2. revoinews
  3. રાજ્યસભા ચૂંટણીઃ NCP, BTP અને જીગ્નેશ મેવાણીમાંથી કોણ બનશે હૂકમના એક્કા?
રાજ્યસભા ચૂંટણીઃ NCP, BTP અને જીગ્નેશ મેવાણીમાંથી કોણ બનશે હૂકમના એક્કા?

રાજ્યસભા ચૂંટણીઃ NCP, BTP અને જીગ્નેશ મેવાણીમાંથી કોણ બનશે હૂકમના એક્કા?

0

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોત-પોતોના ઉમેદવારો વિજેતા બને તે દિશાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં એક મત પણ આગળ-પાછળ થાય તો ઉમેદવારને પરાજયનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની નજર એનસીપી, બીટીપી અને અપક્ષ ધારાસભ્યો ઉપર મંડાયેલી છે. આ ધારાસભ્યો જ પાંચેય ઉમેદવારોના ભાવી નક્કી કરે તેવી સ્થિતિ છે.

ગુજરાતની ચાર રાજ્યસભાની સીટ પર પાંચ ઉમેદવારો માટે ખરાખરીનો જંગ જામશે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલાબેન વોરા અને નરહરી અમીન ઉમેદવારી કરી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યાં છે. જો કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના એક પછી એક આઠ જેટલા ધારાસભ્યોએ હાથનો સાથ છોડતા કોંગ્રેસનું તમામ રાજકીય ગણિત ઉંધુ પડ્યું છે. તેમજ કોંગ્રેસ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કામગીરી શરૂ કરીને પોતાના ધારાસભ્યોને બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યાં હતા.

ભાજપમાં હાલ 103 અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના 2, એનસીપીના 1 તથા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રાજ્યસભાની હુક્મના એક્કા સાબિત થાય તેવી શક્યતા છે. રાજ્યસભાની ચૂંટણીમાં એનપીસીના ધારાસભ્યને કોંગ્રેસ તરફ મતદાન કરવા વ્હીપ આપવામાં આવે તેવી શકયતા છે. જો કે, એનપીસીના ધારાસભ્યએ અગાઉ જ ભાજપને સમર્થન આપ્યું હોવું જાણવા મળે છે. જેથી હવે એ જોવાનું છે કે, એનસીપીના ધારાસભ્ય કોને મત આપે છે.

કોંગ્રેસ અને એનસીપી વર્ષોથી ગઠબંધન છે અને એનસીપી અને કોંગ્રેસે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને સરકારની રચના કરી છે. એટલે જો ગુજરાતમાં એનસીપીના ધારાસભ્ય ભાજપને મત આપે તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઢબંધનવાળી સરકારને પણ અસર થવાની શકયતાઓ જોવાઈ રહી છે. ગુજરાતમાં હવે એવુ સમીકરણ થઈ ગયું છે કે, એક ધારાસભ્યના સમર્થન પર રાજ્યસભાનું ગણિત ટકેલું છે. એક ધારાસભ્યના આમતેમ થવાથી કોઈની પણ જીત અને કોઈની પણ હાર નક્કી થઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.