Site icon Revoi.in

હેમંત કરકરે પર આપેલા વિવાદિત નિવેદન પર સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણીપંચની નોટિસ, 24 કલાકમાં માંગ્યો જવાબ

Social Share

ભોપાલ: લોકસભા ચૂંટણી માટે ભોપાલથી બીજેપીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે ચૂંટણીપંચે પ્રજ્ઞા ઠાકુરને શહીદ હેમંત કરકરે પર આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે નોટિસ આપી દીધી છે. આ નોટિસ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તરફથી મોકલવામાં આવી છે, જેમાં 24 કલાકમાં સાધ્વી પ્રજ્ઞા પાસેથી તેમના નિવેદન અંગે જવાબ માંગવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગઇકાલે મુંબઈ હુમલામાં શહીદ થયેલા પૂર્વ એટીએસ ચીફ હેમંત કરકરે પર એક મોટું નિવેદન આપ્યું હતું. સાધ્વીએ કહ્યુ હતું કે, હેમંત કરકરેને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો હતો. તેમના કર્મો બરાબર નહોતા, એટલે તેમને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો હતો. મેં કહ્યું હતું કે તારો સર્વનાશ થશે અને જે દિવસે હું જેલ ગઈ હતી તેના 45 દિવસની અંદર જ આતંકીઓએ તેમને મારી નાખ્યા હતા.

સાધ્વી પ્રજ્ઞાના આ વિવાદાસ્પદ નિવેદનથી ભારતીય જનતા પાર્ટીએ છેડો ફાડી નાખ્યો હતો. પાર્ટીએ શુક્રવારે નિવેદન જાહેર કરીને સાધ્વીના નિવેદનથી પોતાને અલગ કરી દીધી હતી. પાર્ટીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટપણે માન્યું છે કે હેમંત કરકરેએ આતંકવાદીઓ સાથે બહાદુરીથી લડીને વીરગતિ પ્રાપ્ત કરી હતી. ભાજપે હંમેશાં તેમને શહીદ માન્યા છે. જ્યાં સુધી સાધ્વી પ્જ્ઞાના આ સંદર્ભે આપેલા નિવેદનનો સવાલ છે, તો તે તેમનું વ્યક્તિગત નિવેદન છે જે વર્ષો સુધી તેમને આપવામાં આવેલી શારીરિક અને માનસિક પ્રતાડનાને કારણે આપવામાં આવ્યું હશે.

જોકે આ નિવેદન આપ્યા પછી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે શુક્રવારે સાંજે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. સાધ્વીએ કહ્યુ હતું કે, આ મારું વ્યક્તિગત નિવેદન છે કારણકે મેં યાતનાઓ સહન કરી છે. હું સંન્યાસી છું, મારા ભાવમાં રહું છું. આપણે આપણા દેશને ક્યારેય નબળો નહીં પડવા દઇએ. તેમણે કહ્યું કે જો મારા નિવેદનથી દુશ્મન મજબૂત થઈ રહ્યો હોય તો હું મારી ટિપ્પણી પાછી ખેંચું છું.