Site icon hindi.revoi.in

ચૂંટણી પંચે ફરીથી ઠુકરાવી અશોક લવાસાની માગણી, ઈવીએમની ફરિયાદો માટે બનાવ્યો કંટ્રોલ રૂમ

Social Share

નવી દિલ્હી: 23મી મેએ 17મી લોકસભાના ચૂંટણી પરિણામો આવવાના છે, તેનો આખા દેશ સહીત દુનિયાને ઈન્તજાર છે. તેની વચ્ચે ચૂંટણી પંચની અંદરના મતભેદોએ ખળભળાટ મચાવ્યો છે. તાજેતરમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ઘણાં સવાલો કર્યા હતા. તેના પર મંગળવારે બેઠક પણ યોજાઈ હતી.

બેઠકમાં ફરી એકવાર લવાસાની માગણીને નામંજૂર કરવામાં આવી હતી. લવાસા ચાહતા હતા કે આદર્શ આછાર સંહીતાના ઉલ્લંઘન સાથે જોડાયેલા મામલાના અસંમતિ પત્રને જાહેર કરવામાં આવે. આ સિવાય બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે અલ્પમત વિચાર માત્ર રેકોર્ડનો હિસ્સો હશે. તેને આદેશમાં સામેલ કરવામાં આવશે નહીં.

સૂત્રોનું કહેવું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડા અને ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રે માન્યુ કે આદર્શ આચાર સંહીતા સાથે જોડાયેલા મામલા સંપૂર્ણપણે ન્યાયિક કાર્યવાહી નથી, માટે તેને અસંમતિ અથવા અલ્પમતના આખરી આદેશમાં સામેલ કરવામાં આવશે નહીં. માત્ર બહુમતીનો અભિપ્રાય જ આદેશમાં પ્રકાશિત થશે.

તેમણે કહ્યુ છે કે કોઈ સદસ્યની મતભિન્નતાના મામલાની સુનાવણી બાદ અર્ધન્યાયિક કાર્યવાહીમાં નોંધવામાં આવે છે. તો આદર્શ આચાર સંહીતા સાથે જોડાયેલા અલ્પમત વિચારોને માત્ર ફાઈલોમાં નોંધવામાં આવે છે. ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યુ હતુ કે ફાઈલોની આ નોટિંગ્સને લોકો માહિતીના અધિકાર હેઠળ જોઈ શકે છે. ચૂંટણી પંચ હંમેશાથી પારદર્શક રહ્યું છે અને તે આગળ પણ પારદર્શક રહેશે.

તાજેતરમાં અશોક લવાસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને પંચ દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલામાં મળેલી ક્લિનચિટ અને વિપક્ષી નેતાઓને મોકલેલી નોટિસ પર સવાલ ઉભા કર્યા હતા. તેમનું કહેવું હતું કે આચાર સંહિતાથી જોડાયેલા તમામ દસ્તાવેજોને જાહેર કરવા જોઈએ.

આ મુદ્દા પર મંગળવારે ચૂંટણી પંચની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય સુશીલ ચંદ્ર અને અશોક લવાસા પણ સામેલ થયા હતા. લવાસાએ અસમંતિ વ્યક્ત કરતા ચૂંટણી પંચની બેઠકોમાં જવાનું બંધ કરી દીધું હતું. તેના પછી ચૂંટણી પંચના આંતરીક મતભેદ તમામની સામે આવી ગયા હતા.

આ ઘટનાક્રમ વચ્ચે ચૂંટણી પંચે ઈવીએમ સંબંધિત ફરિયાદના તાત્કાલિક ઉકેલ માટે એક નિયંત્રણ કક્ષ બનાવ્યો છે. આ કંટ્રોલ રૂમે મંગળવારથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, ચૂંટણી પંચના કાર્યાલયથી સંચાલિત કંટ્રોલ રૂમ ચૂંટણી પરિણામ આવવા સુધી 24 કલાક કાર્યરત રહેશે. મતગણતરી દરમિયાન ઈવીએમ સાથે સંબંધિત કોઈપણ ફરિયાદની માહિતી કંટ્રોલ રૂમના નંબર 011-2305212 પર આપી શકાય છે.

Exit mobile version