ઈડીએ મુસ્લિમ ધર્મગુરુ ઝાકિર નાઈક વિરુદ્ધ મની લોન્ડ્રિંગના મામલે ગુરુવારે ચાર્જશીટ દાખલ કરી છે. ધરપકડના ડરથી ભારતમાંથી ફરાર અને વિદેશમાં રહેતા ઝાકિર નાઈકની 50.46 કરોડ રૂપિયાની મિલ્કત પણ જપ્ત કરવામાં આવી છે.
ઝાકિર નાઈક પર કુલ 193.06 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગનો આરોપ છે. ઈડીએ મોહમ્મદ સલમાન અને તેના પરિવારના સદસ્યોની 73.12 લાખ રૂપિયાની મિલ્કતને પણ સંલગ્ન કરી છે. આ નાણાં આતંકી હાફિઝ મોહમ્મદ સઈદ અને અન્ય લોકો દ્વારા તેને આપવામાં આવ્યા હતા.
હાફિઝ સઈદ લશ્કરે તૈયબા, જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશનનો સંસ્થાપક છે. ઈડીએ ઝાકિર નાઈક અને અન્ય સહયોગીઓ વિરુદ્ધ 22 ડિસેમ્બર-2016ના રોજ મની લોન્ડ્રિંગનો મામલો નોંધ્યો હતો.
હાલ ઝાકિર નાઈક મલેશિયામાં રહે છે અને તેના ઉપર ઈસ્લામિક આતંકવાદીઓની ઉશ્કેરણી કરવાનો પણ આરોપ છે. ઈડીએ ગત મહીને માર્ચમાં ઝાકિર નાઈકના સહયોગી નજમુદ્દીન સાથકને મની લોન્ડ્રિંગના મામલે મુંબઈથી એરેસ્ટ કર્યો હતો. તેના ઉપર ઝાકિર નાઈકને મદદ કરવા અને મની લોન્ડ્રિંગના મામલામાં તેની મદદ કરવાના આરોપ હતા અને તેને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.