Site icon hindi.revoi.in

લોકસભામાં કલમ-370 પર કોંગ્રેસના અધીર રંજનના સેલ્ફ ગોલથી સોનિયા ગાંધી નારાજ

Social Share

રાજ્યસભાની જેમ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અને કલમ-370 કમજોર કરવાનો વિરોધ કર્યો છે. લોકસભામાં કોંગ્રેસના ગૃહના નેતા અધીર રંજન ચૌધરીએ બિલને રજૂ કરવાનો વિરોધ કર્યો અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. જો કે આ દરમિયાન તે એક સેલ્ફ ગોલ કરી બેઠા હતા. જ્યારે અધીર રંજન આમ કરી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનું રિએક્શન એવું હતં કે જાણે કે તેઓ પણ આ નિવેદનથી ચોંકી ગયા હોય. અધીર રંજનના નિવેદનથી સોનિયા ગાંધી નારાજ પણ થયા.

સૂત્રોનું માનવું છે કે અધીર રંજન ચૌધરીએ લોકસભામાં જ પક્ષ રજૂ કર્યો છે, તેનાથી સોનિયા ગાંધી નારાજ છે. સોનિયા ગાંધીએ આને લઈને અધીર રંજન સાથે પણ વાત કરી છે. જો કે સોનિયા ગાંધીએ મનીષ તિવારીના ભાષણના વખાણ કર્યા છે અને કહ્યું છે કે મનીષ તિવારીએ પાર્ટીનો પક્ષ યોગ્ય રીતે રજૂ કર્યો છે.

લોકસભામાં જ્યારે અમિત શાહે પુનર્ગઠન બિલને રજૂ કર્યું, તો તેના જવાબમાં અધીર રંજને કહ્યુ કે 1948થી લઈને અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરના મામલા પર યુએન નિરીક્ષણ કરી રહ્યું છે. તેવામાં આ આંતરીક મામલો કેવી રીતે હોઈ શકે છે. બસ કોંગ્રેસના નેતાના આ નિવેદન પર ગૃહ પ્રધાન અમિત શાહ ભડકી ગયા હતા.

તે દરમિયાન સોનિયા ગાંધી અધીર રંજનની બાજુમાં બેઠા હતા અને તેઓ બધું જોઈ રહ્યા હતા અને તેમની વાત સાંભળી પણ રહ્યા હતા. પરંતુ જ્યારે અધીર રંજને યુએનવાળી વાત કહી, તો સોનિયા ગાંધી ચોંકતા દેખાયા હતા. તે પાછળ ફર્યા અને તેમની પાછળની હરોળમાં બેઠેલા પાર્ટીના નેતાઓ તરફ કંઈક ઈશારો કર્યો હતો. ઈશારાથી એવું લાગતું હતું કે માનો કે તેઓ કંઈક પુછી રહ્યા હોય. સોનિયા ગાંધીનું રિએક્શન કેવું હતું, તે અહીં દર્શાવેલા વીડિયોમાં જોઈ શકાય છે.

અધીર રંજનના નિવેદન પર અમિત શાહ ઘણાં આક્રમક થઈ ગયા હતા અને તેમણે કોંગ્રેસની સામે ઘણાં સવાલો ઉભા કરી દીધા હતા.

અમિત શાહે સવાલ કર્યો હતો કે તમે એ સ્પષ્ટ કરો કે આ કોંગ્રેસનું સ્ટેન્ડ છે કે સંયુક્ત રાષ્ટ્ર કાશ્મીરને મોનિટર કરી શકે છે. તેના પછી ગૃહમાં ઘણો હંગામો થયો અને અમિત શાહ-અધીર રંજન વચ્ચે તીખી નોકઝોક થઈ હતી.

Exit mobile version