Site icon hindi.revoi.in

કાશ્મીર મધ્યસ્થતા વિવાદ : ટ્રમ્પના આર્થિક સલાહકારનો દાવો- રાષ્ટ્રપ્રમુખ ક્યારેય વાતો ઉપજાવી કાઢતા નથી

Social Share

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને લને સવાલ ઉઠી રહ્યા છે કે જેમાં તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે જણાવ્યું હતું. જો કે ભારત સરકારે ટ્રમ્પના આ દાવાને એક કલાકની અંદર જ નકારી દીધા હતા. પરંતુ હવે ટ્રમ્પના આર્થિક સલાહકાર લેરી કુડલોએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો બચાવ કર્યો છે. તેમણે કહ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખ પોતાના તરફથી કોઈ વાતને ઘડતા નથી.

આના પહેલા અમેરિકાના વિદેશ વિભાગે મંગળવારે સ્પષ્ટીકરણ આપ્યું હતું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન માટે ચર્ચાનો મુદ્દો છે. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્ર આમા બંને દેશોને મદદ માટે તૈયાર છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને ભારતની સાથે વાતચીતને આગળ વધારવા માટે આતંકવાદનો ખાત્મો કરવો પડશે. તેના માટે કેટલાક સ્થિર પગલા ઉઠાવવાની જરૂરત છે.

વ્હાઈટ હાઉસમાં પત્રકારોએ કુડલોને જ્યારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના દાવા સંદર્ભે સવાલ કરવામાં આવ્યો તો તેમણે તેને બેહદ ભદ્દો સવાલ ગણાવ્યો હતો. કુડલોએ કહ્યુ કે રાષ્ટ્રપ્રમુખ ક્યારેય પોતાની મેળે વાતો ઉપજાવી કાઢતા નથી. મને લાગે છે કે આ ખોટો સવાલ છે. હું આ મામલાથી બહાર જ રહશ. આ સવાલ મારા અધિકારક્ષેત્રની બહાર છે. આનો જવાબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટ, વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને ખુદ રાષ્ટ્રપ્રમુખ જ આપી શકે છે.

ટ્રમ્પે સોમવારે જ ઈમરાન ખાન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યુ હતુ કે મોદી બે સપ્તાહ પહેલા તેમની સાથે હતા અને તેમણે કાશમીર મામલા પર મધ્યસ્થતાની પેશકશ કરી હતી. આના પર ઈમરાન ખાને પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે જો તમે આમ કરી શકો, તો અબજો લોકો તમને દુઆ આપશે.

ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને ટ્રમ્પના દાવાને ખોટો ગણાવ્યો હતો. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાત થઈ નથી. ભારત પોતાના નિર્ણય પર કાયમ છે. પાકિસ્તાન સાથે તમામ મામલે દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ ઉકેલ કરવામાં આવશે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે કાશ્મીર મુદ્દા પર કોઈ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ થવા દેવામાં આવશે નહીં.

અમેરિકાના વિપક્ષ ડેમોક્રેટ પાર્ટીના સાંસદ બ્રેડ શરમેને ટ્રમ્પના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મે હમણા ભારતીય રાજદૂત હર્ષ શ્રૃંગલાની ટ્રમ્પના અનુભવહીન નિવેદન પર માફી માંગી. જે પણ થોડુંઘણું દક્ષિણ એશિયાના વિદેશ નીતિ સંદર્ભે જાણે છે, તેને ખબર છે કે ભારત કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ ચાહતું નથી.

તો અમેરિકાના વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ રાજદ્વારી એલિસા આયર્સે કહ્યુ હતુ કે ઈમરાન ખાન સાથેની મુલાકાત માટે ટ્રમ્પ તૈયારી વગર ગયા હતા. તેમના સમજ્યા-વિચાર્યા વગર આપેલું નિવેદન આવું દર્શાવે છે.

Exit mobile version