– દધીચિ ઠાકર
વર્ષ 1947માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું પછી સૌથી મહત્વનું કામ જે હતું તે 562 દેશી રજવાડાંઓને સંગઠિત કરવા. આ કામ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે સુપેરે અને સજ્જતાપૂર્વક કરી બતાવ્યું. તે સમયે રજવાડાંઓ ભેગા થયા અને રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યા તેની રચના પણ ખૂબજ મહત્વની છે. આ અખંડ ભારતમાં 29 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો છે.
આ જાણવા , સમજવા માટે એક સુંદર પુસ્તક છે – ‘ ભારતનાં રાજ્યો.’ આ પુસ્તકના લેખક ડૉ. જયકુમાર ર. શુક્લ ઇતિહાસના વરિષ્ઠ અને અભ્યાસુ પ્રાધ્યાપક હતા. ગુજરાત ઇતિહાસ પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ તથા શ્રી હ.કા.આર્ટ્સ કોલેજના ઇતિહાસના વિભાગીય અધ્યક્ષ તરીકેની તેમની સેવાઓ મહત્વની રહી છે. ઇતિહાસ વિષયક તેમના અભ્યાસપ્રદ ગ્રંથો વાચકો અને વિદ્યાર્થીઓએ ખોબલે – ખોબલે આવકાર્યા છે.
ભારતનાં રાજ્યો વિશે, વિવિધ પ્રકારની માહિતી ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા જિજ્ઞાસુ વાચકોને ઉપલબ્ધ થાય તેવી ભાવનાથી ગુજરાતના પ્રતિષ્ઠિત માસિક ‘કુમાર’માં તેમણે એક લેખમાળા લખી હતી. તે પછી થોડાં વર્ષો બાદ આ લેખો પુસ્તકરૂપે પ્રકાશિત થયા તે આ પુસ્તક. દરેક લેખમાં તે રાજ્ય કે પ્રદેશને લગતાં બે – ત્રણ ચિત્રો આપીને પુસ્તકને વધુ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કર્યો છે. તમામ લેખમાં તલસ્પર્શી માહિતી અને નાનામાં નાની વાતને સમાવવાનો પ્રયત્ન, લેખકની નિસબત અને અભ્યાસ છલકે છે.
ઉદાહરણ તરીકે પ્રથમ રાજ્ય આસામના લેખ વિષયક વાત કરું તો, તે રાજ્યનો ભૌગોલિક પ્રદેશ, વસ્તી, નદીઓ, વાતાવરણ, તેની વિગતો પ્રારંભે છે. પછી તેનો ઇતિહાસ, લોકો, ઉત્સવો, ખેતી, ખનિજ સંપત્તિ, પ્રાણી સૃષ્ટિ, ઉદ્યોગો, જોવાલાયક સ્થળો, વિશિષ્ટતાઓ વગેરે શીર્ષક હેઠળ વિગતવાર માહિતી રજૂ કરી છે.
પ્રત્યેક લેખમાં રજૂ કરવામાં આવેલ જે તે પ્રવાસનસ્થળ, નૃત્ય પરંપરા, ઐતિહાસિક સ્થળ, સરકારી ભવન વગેરેના ફોટોગ્રાફ્સ વાચકોને ખૂબજ ગમે તેવા છે અને તે જોઈને વાચકને તે રાજ્યમાં જવાની, તેના પ્રવાસનસ્થળોને ફરવાની અને ત્યાંની કળા – પરંપરાને માણવાની ઇચ્છા થશે જ તેની મને આશા છે.
તમામ ગુજરાતીઓને આ પુસ્તક ઉપયોગી નીવડશે અને વાંચવુ તેમજ વંચાવવા જેવું છે.
(પુસ્તકનું નામ – ભારતનાં રાજ્યો
લેખક – ડૉ. જયકુમાર ર. શુક્લ
મૂલ્ય : ₹ 200/-
પ્રથમ આવૃત્તિ : 2011 ; પૃષ્ઠ – 202
પ્રાપ્તિ સ્થાન : – કુસુમ પ્રકાશન, ‘ 222, સર્વોદય કોમર્શિયલ સેન્ટર, સલાપસ રોડ, જીપીઓ પાસે,
રિલીફ રોડ, અમદાવાદ – 380001)