નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં હોસ્પિટલના જૂનિયર ડોક્ટર્સ સાથે મારઝૂડના વિરોધમાં સોમવારે સમગ્ર દેશના ડોક્ટરો 24 કલાકની હડતાળ પર છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ રવિવારે જણાવ્યું કે, ઈમરજન્સી સેવાઓને હડતાળથી અલગ રાખવામાં આવી છે. ઓપીડી સહિત અન્ય સામાન્ય સેવાઓ સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. બીજી બાજુ બંગાળના ડોક્ટરો હડતાળ સમાપ્ત કરીને મમતા બેનરજી સાથે વાતચીત કરવા માટે રાજી થઈ ગયા છે.
IMAએ કહ્યું કે, ભલે બંગાળના ડોક્ટર્સે તેમની હડતાળ ખતમ કરવાનો નિર્ણય લીધો હોય, પરંતુ અમે 24 કલાકની હડતાળ કરીશું. હોસ્પિટલમાં ડોક્ટર્સ સાથેની મારઝૂડની ઘટનાના વિરોધમાં આ જરૂરી છે. અમે ડોક્ટર્સની સુરક્ષા વિશે અમારી વાત રજૂ કરવા માંગીએ છીએ.
દિલ્હીની AIIMS હોસ્પિટલ પહેલા આ હડતાળમાં જોડાવાની ન હતી. પરંતુ પછી મેનેજમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ આજે બપોરે 12 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી આ હડતાળમાં જોડાશે.
IMAએ દ્વારા ડોક્ટર્સ સામે હિંસા રોકવા માટે સેન્ટ્રલ એક્ટની માંગણીને ફરી કરવામાં આવી છે. IMAએ કહ્યું છે કે, વર્ષોથી આ માંગણી કરવામાં આવી રહી છે પરંતુ દર વખતે આ વિશે આશ્વાસન જ આપવામાં આવે છે. અમારી આ એક દિવસની સ્ટ્રાઈક પણ આ માંગણી વિશે જ છે. યુનાઈટેડ રેસિડન્સ એન્ડ ડોક્ટર્સ એસોસિયેશનનું કહેવું છે કે, અમારી સ્ટ્રાઈક ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ ન આવી જાય.