અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. હાલ તમામ શાળાઓએ નિયમ મુજબના માર્ક તૈયાર કરીને શિક્ષણ બોર્ડને મોકલી આપ્યા છે. અને આગામી તા. 25 જુનના રોજ પરિણામ જાહેર કરાશે.તમામ વિદ્યાર્થીઓ પાસ તો થઈ જશે પણ તેને ક્યો ગ્રેડ મલ્યો છે, તે પરિણામથી જાણી શકાશે. ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ રાજ્યની ડિપ્લોમા ઈજનેરીની બેઠકો પર રજિસ્ટ્રેશન કાર્યવાહીનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના 300 માર્કસની પરીક્ષામાંથી મેળવેલા માર્કસના આધારે મેરિટ તૈયાર કરાશે.
રાજ્યભરની 140 જેટલી ડિપ્લોમા ઈજનેરી કોલેજોની 64000થી વધુ બેઠકો માટે રજીસ્ટ્રેશન 15 જુલાઈ સુધીમાં ચાલશે. ધો.10ના પ્રત્યેક વિષયમાં પાસીંગ માર્ક એટલે કે ક્વોલિફાઈંગ માર્કસ 35 ટકા હોવા જોઈશે. જો ડિપ્લોમા ઈજનેરી કોલેજોની મેરિટ નિર્ધારણ પ્રક્રિયામાં એક જ મેરિટ નંબર ઉપર એક કરતા વિદ્યાર્થી સરખા મેરિટ પર હોય. આવા સંજોગોમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોમાંથી ગણિત વિષયમાં જે વિદ્યાર્થીના માર્કસ વધારે હશે. તેમને અગ્રતા ક્રમે રખાશે.
જો ગણિત વિષયમાં જે તે વિદ્યાર્થીઓના માર્કસ સરખાં હોય તો પછી વિજ્ઞાન વિષયમાં જે વિદ્યાર્થિના માર્કસ વધારે હોય તેમને મેરિટ ક્રમાંકમાં અગ્રતા પર રખાશે.ગણિત અને વિજ્ઞાનમાં સરખા માર્કસ હોય તો તે વિદ્યાર્થીના ગણિત અને અંગ્રેજીમાંથી જેના માર્કસ વધારે હશે તે મેરિટ ક્રમાંકમાં આગળ ગણાશે. માનો કે ગણિત અને અંગ્રેજી વિષયમાં જો વિદ્યાર્થીઓના માર્કસ સરખા હશે તો વિજ્ઞાન અને અંગ્રેજીમાંથી જેના માર્કસ વધારે હશે તેમને મેરિટમાં અગ્રતા અપાશે. જો આ વિષયોમાં પણ માર્કસ સરખાં હશે તો પછી ઓવરઓલ વિષયમાં સૌથી વધારે માર્કસ હશે તેને મેરિટમાં અગ્રતાક્રમ પર રખાશે.