અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં નારણપુરા વોર્ડમાંથી મતદાન કર્યું હતું. મતદાન બાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસાત્રા શરૂ થઈ હતી. જે આજે પણ યથાવત છે અને ગુજરાતની વિકાસ યાત્રા અન્ય રાજ્યો માટે પ્રેરણા બની છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા માટે અમદાવાદ આવ્યાં હતા. સવારે તેમણે નારણપુરા વોર્ડમાં મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીથી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના શ્રી ગણેશ થયાં છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતી ત્યારે શહેરી અને ગ્રામીણ સહિત સમગ્ર રાજ્યમાં વિકાસની યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે ભારત માટે અનુકરણીય બની છે. દેશના અનેક રાજ્યોમાં ગુજરાતના વિકાસથી પ્રેરણા લઈને વિકાસ તરફ આગળ વધી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો વિજય થશે. નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર દેશમાં ભાજપાએ વિકાસયાત્રાના પરચમ લહેરાવ્યો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે.