દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબા કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા છે. તેમણે મંગળવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થતા પહેલા અલકા લાંબા કોંગ્રેસમાં જ હતા.
દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. તેવામાં અલકા લાંબાનું કોંગ્રેસમાં જવું દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મોટો આંચકો હશે. જો કે લાંબા સમયથી બંનેના સંબંધો બેહદ કડવા છે. તેથી આવી શક્યતાઓને લઈને ઘણાં લાંબા સમયથી ચર્ચા હતી.
મહત્વપૂર્ણ છે કે અલકા લાંબાએ તાજેતરમાં ટ્વિટ પર આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત કહી હતી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે આમ આદમી પાર્ટીમં સમ્માન સાથે સમજૂતી કરવાથી બહેતર છે કે હું પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપી દઉં અને આગામી ચૂંટણી ચાંદની ચોક વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લડું. તાજેતરમાં તેમણે કેજરીવાલ પર બદલાની ભાવનાથી કામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
આમ આદમી પાર્ટીમાં સામેલ થતા પહેલા અલકા લાંબા કોંગ્રેસ પાર્ટીના સદસ્ય રહી ચુક્યા છે. તેઓ કોંગ્રેસ પાર્ટીની સ્ટૂડન્ટ વિંગ નેશનલ સ્ટૂડન્ટ યૂનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના નેતા તરીકે દિલ્હી યુનિવર્સિટીમાં સ્ટૂડન્ટ યુનિયનના અધ્યક્ષ પદની ચૂંટણી પણ જીતી ચુક્યા છે.