આઈએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરમની આગોતરા જામીન આપવાનો કોર્ટે ઈન્કાર કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે આના સંદર્ભે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની બંને આગોતરા જામીન અરજીઓને નામંજૂર કરી છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. આઈએનએક્સ મીડિયા મામલામાં હાઈકોર્ટે તેમને રાહત આપી નથી. દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન માટેની તેમની બે અરજીઓને નામંજૂર કરી છે. અરજી નામંજૂર થયા બાદ હવે પી. ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકી રહી છે. દિલ્હી હાઈકોર્ટે 25 જાન્યુઆરીએ આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. દલીલ દરમિયાન સીબીઆઈ અને ઈડીએ જ ચિદમ્બરમની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. બંને તપાસ એજન્સીની દલીલ હતી કે ચિદમ્બરમની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે, કારણ કે તે સવાલોથી બચી રહ્યા છે.
બંને તપાસ એજન્સીઓએ દલીલ આપી હતી કે ચિદમ્બરમના નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મીડિયા સમૂહને 2007માં વિદેશથી 305 કરોડ રૂપિયાની ધનરાશિ પ્રાપ્ત કરવા માટે એફઆઈપીબી મંજૂરી પ્રદાન કરવામાં આવી હતી.
ઈડીએ દલીલ કરી હતી કે જે કંપનીઓમાં રકમ હસ્તાંતરીત કરવામાં આવી તે તમામ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચિદમ્બરમના પુત્ર કાર્તિ દ્વારા નિયંત્રિત છે અને તેમની પાસે એ માનવાનું કારણ છે કે આઈએનએક્સ મીડિયાને એફઆઈપીબી મંજૂરી તેમના પુત્રના હસ્તક્ષેપ પર પ્રદાન કરવામાં આવી હતી. હાકોર્ટે 25 જુલાઈ-2018ના રોજ ચિદમ્બરમને બંને મામલામાં ધરપકડથી વચગાળાનું સંરક્ષણ પ્રદાન કર્યું હતું. તેને સમય-સમય પર લંબાવવામાં આવ્યું હતું.