Site icon Revoi.in

મોદી સરકારની બીજી ટર્મમાં નવો પડકાર, દેશના લગભગ 50% હિસ્સામાં દુકાળ પડવાની આશંકા

Social Share

નવી દિલ્હી: કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની બીજી વખત સરકાર બનવા જઈ રહી છે. પરંતુ નવી સરકાર સામે ઘણાં પ્રકારના પડકાર જોવા મળી રહ્યા છે. આવો જ એક મોટો પડકાર એ છે કે દેશના લગભગ અડધોઅડધ રાજ્યોમં દુકાળ પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેવામાં નવી સરકારને દુકાળથી પ્રભાવિત થઈ શકનારા રાજ્યોને તાત્કાલિક મદદ કરવી પડશે. ખાસ કરીને દક્ષિણ ભારતના ઘણાં રાજ્ય દુકાળથી પ્રભાવિત થઈ રહ્યા છે.

બિઝનસ સ્ટાન્ડર્ડ પ્રમાણે, આઈઆઈટી ગાંધીનગરમાં બનેલી દુકાળ માટેની અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે કે દેશના 40 ટકાથી વધારે હિસ્સામાં દુકાળ પડે તેવી શક્યતા છે અને તેના લગભગ અડધા હિસ્સામાં ગંભીર અથવા અસાધારણ દુકાળ પડે તેવી શક્યતા છે.

મહત્વપૂર્ણ છે કે માર્ચથી મેની વચ્ચે થનારા પ્રી-મોનસૂન વરસાદ આ વખતે 22 ટકા ઓછો થયો છે. દેશના બે તૃતિયાંશ હિસ્સામાં ઓછો અથવા ઘણો ઓછો વરસાદ થયો છે. આ ગત છ વર્ષમાં સૌથી ઓછો પ્રી-મોનસૂન વરસાદ છે.

દક્ષિણી રાજ્યોમાં 49 ટકા ઓછો વરસાદ થયો છે અને આ દુકાળથી સૌથી વધારે પ્રભાવિત થવાની શક્યતા છે. જ્યારે મોનસૂન આવશે, તો સામાન્ય વરસાદથી પ્રાદેશિક સ્તરે પાણીની તંગી દૂર થશે અને જમીનમાં ભેજના સ્તરમાં સુધારો થઈ શકે છે. પરંતુ પ્રી-મોનસૂન વરસાદમાં ઘટાડાથી ગ્રામીણ ભારતમાં તો મુશ્કેલી વધી જ છે, તેનાથી શહેરોમાં પણ જળસંકટ ઉભું થઈ શકે છે.

આ વર્ષ માર્ચથી મે માસ દરમિયાન થનારા પ્રી-મોનસૂન વરસાદમાં 22 ટકા ઘટાડો થયો છે. આ ઘટાડાથી શેરડી, શાકભાજી, ફળો અને કપાસ જેવા પાકના ઉત્પાદન પર વિપરીત અસર પડે તેવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, 1 માર્ચથી 15 મેની વચ્ચે માત્ર 75.9 મિલિમીટર જેટલો વરસાદ થયો છે. જ્યારે સામાન્ય વરસાદ 96.8 મિલિમીટર માનવામાં આવે છે.

1 માર્ચથી 24 એપ્રિલ સુધી વરસાદ સામાન્યથી 27 ટકા ઓછો થયો છે. પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદના આંકડાને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.

હવામાન વિભાગે દક્ષિણ ભારત ખાતેની ઓફિસે પ્રી-મોનસૂન વરસાદમાં 46 ટકા ઘટાડો નોંધ્યો છે. જે દેશમાં સૌથી વધારે ઘટાડો છે. તેના પછી 1 માર્ચથી જ 24 એપ્રિલ વચ્ચે વરસાદમાં ઉત્તર-પશ્ચિમ સબ ડિવિઝનમાં સામાન્યથી 36 ટકા ઓછો અને ઉત્તર ભારતમાં સામાન્યથી 38 ટકા ઓછો જોવા મળ્યો છે.