વડાપ્રધાન મોદી દ્વારા મિશન શક્તિની સફળતાની ઘોષણા કર્યા બાદ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે મોદી સરકારની ટીકા કરતા કહ્યુ હતુ કે દેશની આ ક્ષમતાને ગુપ્ત રાખવી જોઈતી હતી. પરંતુ નાસમજ સરકારે આમ કર્યું નથી. આના પર જવાબ આપતા આજે શનિવારે ડીઆરડીઓના પ્રમુખ જી. સતીષ રેડ્ડીએ કહ્યુ છેકે મિશન શક્તિની પ્રકૃતિ એવી હતી કે તેને કોઈપણ સંજોગોમાં ગુપ્ત રાખી શકાય તેમ ન હતું. તેમણે કહ્યુ છે કે ઉપગ્રહને દુનિયાભરના ઘણાં દેશોના સ્પેસ સ્ટેશનો દ્વારા ટ્રેક કરવામાં આવે છે. રેડ્ડીએ ક્હ્યુ છે કે આ મિશન માટે તમામ મંજૂરીઓ લેવામાં આવી હતી. આ ઘટનાક્રમ વચ્ચે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશને મિશન શક્તિ પર એક પ્રેઝન્ટેશન પણ જાહેર કર્યું છે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંદેશામાં કહ્યુ હતુ કે ભારતે અંતરીક્ષમાં પણ યુદ્ધક મારક ક્ષમતાઓ પ્રાપ્ત કરી લીધી છે. તેના સિવાય ભારતે ત્રણ મિનિટની અંદર જ મિશન શક્તિ હેઠળ અંતરીક્ષના લૉ-ઓર્બિટમાં રહેલા એક સેટેલાઈટને તોડી પાડ્યો હતો. આ સિદ્ધિને સ્વદેશમાં બનેલી એન્ટિ સેટેલાઈટ મિસાઈલ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે. આજે ડીઆરડીઓએ આ મિશન શક્તિનો એક પ્રેઝન્ટેશન વીડિયો દેશ સામે રજૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મિશન શક્તિના બહાને કેન્દ્રની મોદી સરકારને નિશાન બનાવતા કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં તથા ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યુ હતુ કે સેટેલાઈટને તોડી પાડવાની ક્ષમતા આપણી પાસે ઘણાં વર્ષોથી હતી. પરંતુ યુપીએની સુઝબુઝવાળી સરકારે દેશની આ ક્ષમતાને ગુપ્ત રાખી હતી. પરંતુ હાલની નાસમજ સરકારે દેશની સંરક્ષણ ક્ષમતાનો ખુલાસો કર્યો છે.