Site icon hindi.revoi.in

આપણા રાષ્ટ્રરત્નો: રાષ્ટ્રસમર્પણ, શૌર્ય અને સાહસની યુવાપ્રેરણા: મદનલાલ ધીંગરા

Social Share

  – પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

અમૃતસર પંજાબની 18 સપ્ટેમ્બર 1883 ની સવાર સમૃદ્ધ હિંદુ પરિવાર ડૉ ગીતામલ ધીંગરા  અને ભારતીય સંસ્કારો અને ધાર્મિકતાને વરેલા માતાના ખોળે એક પુત્રરત્નનો જન્મ થયો જેણે આપણા દેશને અંગ્રેજોની કારમી ગુલામી માંથી મુક્ત કરવા પોતાના આખા જીવન સાથે પ્રાણોની પણ આહુતિ આપી ભારતીય સ્વતંત્રા માટે સતત ઝઝૂમ્યા , રાષ્ટ્ર સમર્પણ માટેનું એ ચિરંજીવ યુવાનામ એટલે મદનલાલ ધીંગરા ..!!!

ધીંગરા પરિવાર સુખી સંપન્ન અને સુશિક્ષિત પણ પરિવારમાં કોઈ ને પણ રાષ્ટ્રભક્તિ માટે દૂર દૂર સુધી કોઈ નાતો નહીં. પરિવાર અંગ્રેજ સરકારનો વિશ્વાસુ અને અંગ્રેજો સાથે  સારા માં સારા સંબંધો રાખનારો . પણ ધીંગરા પરિવારમાં આ એક એવો યુવાવીર જન્મ્યો જેણે આ પારિવારિક પરંપરાને તોડીને રાષ્ટ્ર માટે નવી ભાત પાડી ! આજે એ યુવાવીરનો જન્મદિવસ ! પિતા ડૉ ગીતામલ ધીંગરા અંગ્રેજ અધિકારીઓના મિત્ર ..!!આજ વાત મદનલાલ ને બાળપણમાં ખટકે ! મદનલાલને આપણી સંસ્કૃતિના સંસ્કારો માતા પાસેથી મળ્યા પણ રાષ્ટ્રપ્રેમ સ્વયં ઉદ્દભવ્યો ! અંગ્રેજોની દોસ્તીમાં ઓતપ્રોત રહેતા પિતા ડૉ ગીતામલ ધીંગરાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એમનો મદનલાલ પરિવારને છોડી દેશની આઝાદી માટે  આખી અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા પોતાના પ્રાણોની આહુતિ આપવા તૈયાર થઇ જશે .

શાળાજીવન મદનલાલે અમૃતસરમાં જ પૂરું કરીને ૧૯૦૦ ની સાલમાં એમ.બી કોલેજમાં ઇન્ટરમીડિએટ સુધી અભ્યાસ કરી સરકારી કોલેજ યુનિવર્સીટીમાં વધુ અભ્યાસ માટે લાહોર આવ્યા ..આ એ વર્ષો હતા કે જયારે ભારતમાતાને આઝાદ કરવા દેશ વિદેશમાં યુવાહૈયાઓ સમર્પિત ભાવે ઝઝૂમી રહ્યા હતા. દેશને આઝાદ કરવા માટેની પ્રવૃત્તિઓ લાહોરમાં પણ ચાલી રહી હતી આવી રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓથી મદનલાલ પ્રેરાયા અને દેશની આઝાદી માટે કંઈક કરી છૂટવું એવો સંકલ્પ તેમણે કર્યો ! એમણે કોલેજકાળ દરમિયાન અનુભવ્યું કે આપણી ભારતભૂમિ પર અંગ્રેજો ભારતીયોનું તન મન ધન થી શોષણ કરીને એમની આર્થિક સંપત્તિ વધારી આપણી ઉપર દમન ગુજારી રહ્યા છે અને આપણા હિંદબંધુઓ ગરીબીમાં ટળવળી રહ્યા છે . ભારતીયો ગરીબ કેમ ? આ પ્રશ્ન એમના મનમાં ચાલ્યા કરતો આ પ્રશ્ન નો જવાબ મેળવવા માટે એમણે ભારતીય ગરીબીને લગતા સાહિત્યનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો મનોમંથન કર્યું અને મદનલાલ એ તારણ પર આવ્યા કે ” ભારતને ગરીબીથી મુક્ત કરવું હશે તો પ્રથમ હિંદ સ્વરાજ અને સ્વદેશી ચીજવસ્તુઓ ઉપર , સ્વદેશી ઉદ્યોગો ઉપર જ ભાર મુકવો રહ્યો !” એમણે જાણ્યું જોયું કે બ્રિટિશ સરકારની તમામ નીતિરીતિઓ કાયદા કાનુનો જ ભારતીયો તેમજ ભારતના ઉદ્યોગોને કચડી નાખવાના એકમાત્ર ઉદ્દેશ ઉપર કામ કરી રહ્યા છે અને આ અંગ્રેજ સાશન જ ભારતીયોની ગરીબી નું મૂળ છે ! આ અંગ્રેજ સરકારને  જડમૂળ માંથી ઉખાડીએ તો જ રાષ્ટ્રકલ્યાણ સંભવ છે ! મદનલાલ ભારયુવાનીમાં રાષ્ટ્રકલ્યાણ માટે કમર કસવાનું શરુ કર્યું . બ્રિટિશ સામગ્રી, બ્રિટિશ ઉદ્યોગોનો સંપૂર્ણ બહિષ્કાર કરીને સ્વદેશી આંદોલનને વેગ આપવાનું શરુ કર્યું .

મદનલાલ ચિક્કાર યુવાનીમાં પ્રવેશી ચુક્યા હતા . તેમના રોમેરોમમાં રાષ્ટ્રપ્રેમ ભરાતો જતો હતો ૧૯૦૪ ની સાલમાં તેઓ અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હતા અને કોલેજમાંથી પ્રિન્સિપાલ દ્વારા એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે ” કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત ઇંગ્લેન્ડથી આયાત કરવામાં આવતા કાપડનો સૂટ પહેરીને જ કોલેજમાં આવવું” મદનલાલે આ ફરમાનનો મક્કમતાથી વિરોધ કર્યો અને આ ફરમાન સામે વિદ્યાર્થીઓ ને જગાડ્યા અને વિદ્યાર્થી આંદોલનનો શંખ ફૂંક્યો . પરિણામ એ આવ્યું કે આ આંદોલનના તેમના નેતૃત્વ ના કારણે તેમને કોલેજ માંથી કાઢી મુકવામાં આવ્યા. પિતાજીની અંગ્રેજો સાથે દોસ્તીના કારણે મદનલાલને    પિતાજીએ કોલેજના આચાર્યની માફી માંગી આજીવન આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા સૂચવ્યું . મદનલાલને પિતાજી તરફથી આપવામાં આવેલું સૂચન સ્વતંત્રતા અને સ્વદેશના સંકલ્પ સામે ગૌણ લાગ્યું . એમણે પિતાજીના સૂચનને ફગાવી અને કોલેજ છોડી શિમલા તરફ પ્રયાણ કર્યું અને ત્યાં એક પેઢીમાં ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારી . ઉગ્ર સ્વભાવના કારણે નોકરી લાંબો સમય ના ટકી તો કારખાનામાં મજૂરી કરવાનું શરુ કર્યું . કારખાનામાં મજૂરોના હક માટે સંગઠન બનાવવાનું શરુ કરતાની સાથે જ તેમને કારખાના માંથી છુટા કર્યા એટલે તેઓ શિમલા છોડી મુંબઈ આવ્યા મુંબઈ માં નાની મોટી નોકરી સ્વીકારી . મદનલાલના રાષ્ટ્રકાર્ય  અને સંગઠનાત્મક પ્રવૃતિઓના કારણે તેમનો પરિવાર કારકિર્દી માટે  સતત ચિંતામાં રહેતો એટલે તેમના મોટાભાઈ ડૉ બિહારીલાલે તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ જવા માટે મદનલાલ પર પારિવારિક દબાણ ઉભું કર્યું . પરિવારની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને મદનલાલ ૧૯૦૬ માં ઇંગ્લેન્ડ જઈ લંડન યુનિવર્સીટીમાં મિકેનિકલ એન્જીનીયરીંગમાં દાખલ થયા ત્યાં પણ તેમનો રાષ્ટ્રપ્રેમ અકબંધ રહ્યો. સ્થળ બદલાયું પણ સંકલ્પ નહીં ! એ સમયે લંડનમાં ૧૯૦૫ માં શ્યામજીકૃષ્ણ વર્મા સ્થાપિત ઇન્ડિયા હાઉસમાં દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ હતી અહીં એમની મિત્રતા સાવરકરજી અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઇ આમ દેશને સ્વતંત્ર કરવાનો સંકલ્પ અહીં વધારે મજબૂત થયો. વિનાયક સાવરકર અને ગણેશ સાવરકર  સ્થાપિત અભિનવ ભારત સંસ્થામાં તેઓ જોડાયા ત્યાં એમણે હથિયારો ચલાવવાનું શિક્ષણ લીધું.

બરોબર આજ અરસામાં યુવા સ્વતંત્રતા સેનાનીઓ સત્યેન્દ્રપાલ,ખુદીરામ બોઝ અને કન્હાઇલાલ દત્તને ફાંસીની સજા આપવામાં આવી. આ ઘટનાએ વિર સાવરકર અને મદનલાલ ધીંગરાને મનોમન  હચમચાવી મુક્યા અને એમનામાં આ ઘટનાનો તત્કાલ બદલો લેવાની ભાવના જાગી એ સમયે 1866માં કર્જન વાયલી બ્રિટિશ સૈન્યમાં નિયુક્ત થયા હતા અને 1879 માં કર્જન વાયલી બ્રટિશ સરકાર દ્વારા ભારતીય રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાઈને ભારતમાં ઘણી જગ્યાએ ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા હતા અને કર્જન વાયલી મદનલાલના પિતા ડૉ ગીતામલ ના મિત્ર પણ હતા ત્યાર બાદ ઇંગ્લેન્ડમાં કર્જન વાયલી ગુપ્ત પોલીસ મંડળ માં પ્રમુખ હતા અને તેઓ ઇંગ્લેન્ડ માં ભારતીય યુવા ક્રાંતિકારીઓ ઉપર ચાંપતી નજર રાખી ભારતીય ક્રાંતિકારીઓનો મૃત્યુદંડ સુધીનો તખ્તો તૈયાર કરતા. મદનલાલની દેશને આઝાદ કરવાની આગ એ સમયે બેકાબુ હતી અને આ કર્જન વાયલી મદનલાલની આંખો માં કણાની જેમ ખૂંચતા આમ તેમના પિતાના મિત્ર પણ ભારતના શત્રુને પાઠ ભણાવવા નું નક્કી કર્યું ને એમણે તક ઝડપી. 1 જુલાઈ 1909ની સાંજ લંડનમાં ઈમ્પૅરિયલ ઇન્સ્ટિટ્યૂટ નો સભાખંડ ભારતીયો અને અંગ્રેજો થી ખીચોખીચ ભરાયો હતો એમાં ભાગ લેવા માટે સર વિલિયમ સર્જન વાયલી પોતાના પત્ની સાથે સભાખંડ માં પ્રવેશ્યા અંગ્રેજી પહેરવેશમાં સજ્જ મદનલાલે ધડાધડ એક પછી એક એમ પાંચ ગોળીઓ વાયલીના મોં પર છોડી વાયલીના પ્રાણ ના નીકળે ત્યાં સુધી ગોળીબાર કર્યો. કર્જન વાયલીના પ્રાણ ત્યાં જ નીકળી ગયા. સભાખંડ માં હાહાકાર મચ્યો દોડધામ થઈ પણ દેશમાટે કંઈક કરી છૂટેલો આ વીર મદનલાલ ધીંગરા પોતાની જગ્યા એ શાંતચિત્તે સ્થિર રહ્યો ! પોતાને ગોળીમારી ને આત્મઆઝાદ થવા પ્રયાસ કર્યો પણ મદનલાલ ની ધરપકડ કરવામાં આવી .

23 જુલાઈ 1909માં ઓલ્ડ બેઇલી લંડનની અદાલતમાં તેમનો કર્જન વાયલીની હત્યા માટે કેસ ચાલ્યો અને મદનલાલ ધીંગરા એ અદાલત માં સિંહગર્જના કરી ” મેં ભારતને અમાનવીય બ્રિટિશ શાસનમાંથી મુક્તિ અપાવવા મારી ફરજ બજાવી છે અને બદલો લીધો છે. મને કર્જન વાયલીની હત્યા કરવા માટે સહેજ પણ અફસોસ નથી…!!!”  મદનલાલને અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી અને 17 ઓગસ્ટ 1909માં ઇંગ્લેન્ડમાં ભારતને સ્વતંત્ર કરવા નીકળેલો આ નવયુવાન શૂરવીર હસતા હસતા ફાંસીના માંચડે લટક્યો …!! મદનલાલ ધીંગરા એ એમની યુવાની માં જ આપણા દેશને આઝાદ કરવા માટે આપેલા આત્મસમર્પણ  અને બલિદાન ના  કારણે આજે આપણે આઝાદી  મીઠાફળ સ્વરૂપે ભોગવી રહ્યા છીએ . અને આજે પણ મદનલાલ ધીંગરા સ્વરાષ્ટ્રં માટે  એમના  શૌર્ય અને સાહસ સ્મૃતિસ્વરૂપે  પણ આપણી હિંદભૂમિમાં  જીવંત છે.

Exit mobile version